• બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • દિલ્હી કેપિટલ્સ હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે
  • ગુજરાત જાયન્ટ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને

વુમન્સ પ્રીમિયર લીગ 2024ના ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સ હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

શું ગુજરાતને મળશે છેલ્લી જીત?

બંને વચ્ચેની આ મેચને માત્ર ઔપચારિકતા માનવામાં આવી રહી છે, પરંતુ હાર સાથે આ સિઝનની શરૂઆત કરનાર ગુજરાત જાયન્ટ્સ સિઝનનો અંત જીત સાથે કરવા માંગે છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ ઈચ્છે છે કે તેની ટીમ ગ્રૂપ સ્ટેજનો અંત જીત સાથે કરે જેથી નોક-આઉટ મેચોમાં પણ તેના ખેલાડીઓનું મનોબળ અકબંધ રહે.


દિલ્હી અને ગુજરાતનો હેડ ટુ હેડ રેકોર્ડ

WPL ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ ત્રણ વખત સામસામે આવી ચુક્યા છે. જેમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાતને બે વખત હરાવ્યું છે. એક મેચ ગુજરાતની તરફેણમાં ગઈ છે. આ સિઝનમાં પ્રથમ વખત આ બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. જેમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 25 રનથી હરાવ્યું હતું. જો કે આજની મેચમાં જોવાનું એ રહે છે કે શું ગુજરાત જાયન્ટ્સ આ સિઝનનો અંત જીત સાથે કરવામાં સફળ રહેશે કે પછી તેને ફરી એકવાર દિલ્હીથી હારનો સામનો કરવો પડશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ પણ આશા રાખશે કે તેના ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરશે.

કેવી રહી દિલ્હી કેપિટલ્સની છેલ્લી મેચ?

ગુજરાત જાયન્ટ્સ પહેલા દિલ્હી કેપિટલ્સે તેમની છેલ્લી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. તે મેચમાં દિલ્હી તરફથી બેટિંગ કરતા જેમિમા રોડ્રિગ્સે માત્ર 36 બોલમાં 58 રનની ખાસ ઇનિંગ રમી હતી. એલિસ કેપ્સીએ પણ 32 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મેગ લેનિંગે પણ બેટિંગમાં તાકાત બતાવી હતી. આ સિવાય બોલિંગમાં દિલ્હી કેપિટલ્સ માટે મારિજને કેપ અને શિખા પાંડેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના આધારે દિલ્હીએ બેંગ્લોર સામે 1 રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો. હવે ફરી એકવાર દિલ્હીના સુકાની પોતાના ખેલાડીઓ પાસેથી એવા જ ખાસ પ્રદર્શનની અપેક્ષા રાખશે.

છેલ્લી મેચમાં ગુજરાત જાયન્ટ્સની હાલત

ગુજરાત જાયન્ટ્સ આ પહેલા તેની છેલ્લી મેચ યુપી વોરિયર્સ સામે રમી હતી. તે મેચમાં ગુજરાતની બેટિંગ અને બોલિંગ શાનદાર રહી હતી. યુપી સામે ગુજરાત તરફથી બેટિંગ કરતી વખતે લૌરા વોલ્વાર્ડ અને કેપ્ટન બેથ મૂનીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે ગુજરાતનો મિડલ ઓર્ડર યુપી સામે સદંતર નિષ્ફળ સાબિત થયો હતો, પરંતુ બોલરોની ઘાતક બોલિંગના કારણે ગુજરાતે યુપીને 8 રનથી હરાવ્યું હતું.

ગુજરાત તરફથી બોલિંગમાં ફાસ્ટ બોલર શબનમ શકીલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે કેથરીન બ્રાઇસ અને એશ્લે ગાર્ડનરને પણ એક-એક સફળતા મળી હતી. હવે ફરી એકવાર બેથ મૂની ઈચ્છશે કે તેના ખેલાડીઓ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં તેમની શ્રેષ્ઠ રમત બતાવે અને WPL 2024માં તેમની સફર જીત સાથે સમાપ્ત કરે.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત જાયન્ટ્સ: લૌરા વોલ્વાર્ડ, બેથ મૂની (wk/c), ડેલાન હેમલતા, ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, ભારતી ફુલમાલી, કેથરિન બ્રાઇસ, તનુજા કંવર, શબનમ એમડી શકીલ, મેઘના સિંહ, મન્નત કશ્યપ.

દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (c), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (wk), શિખા પાંડે, મિનુ મણિ.


  • Follow us on: