- 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- યુવરાજ સિંહે શુભમન ગિલને આપ્યું પ્રોત્સાહન
- શુભમને બીમારીના કારણે પ્રથમ બે મેચ ગુમાવી હતી
ODI વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચની રાહ ક્રિકેટ ફેન્સ હંમેશા જોતા હોય છે. શુભમન ગિલ હાલ ચર્ચામાં છે. તેને ડેન્ગ્યૂ થયો હોવાથી વર્લ્ડ કપ 2023ની શરુઆતની 2 મેચમાં તે રમ્યો નહોતો પરંતુ હવે તેણે પ્રેક્ટિસ શરુ કરી છે. તેવામાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેને એક સલાહ આપી છે.
યુવરાજે ગિલને આપી સલાહ
યુવરાજે કહ્યું, 'મેં શુભમન ગિલને મેસેજ કરી થોડું પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. મેં તેને કહ્યું કે જો, મેં ડેન્ગ્યુમાં બે મેચ રમી છે અને કેન્સરમાં વર્લ્ડકપ પણ રમ્યો છે, તો તૈયાર થઈ જા. તેથી મને આશા છે કે તે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ માટે તૈયાર હશે. પરંતુ જુઓ, જ્યારે તમને તાવ હોય, ડેન્ગ્યુ હોય, ત્યારે તમારા માટે રમવું ખૂબ મુશ્કેલ છે. મેં તેનો અનુભવ કર્યો છે. તેથી મને આશા છે કે જો તે ફિટ હશે તો ચોક્કસ રમશે.
ગિલનો રેકોર્ડ અમદાવાદમાં ખૂબ જ સારો
શુભમન ગિલ માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે. વર્લ્ડકપ પહેલા તે મજબૂત ફોર્મમાં છે. આ સિવાય ગિલનો રેકોર્ડ અમદાવાદમાં ખૂબ જ સારો છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો તેણે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે. આ વર્લ્ડકપમાં બંને ટીમો હજુ સુધી એક પણ મેચ હારી નથી. ICC વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી પાકિસ્તાને ક્યારેય ભારત સામે જીત નોંધાવી નથી. શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચ રમી શકશે કે નહીં તેના પર સૌની નજર છે.
ગિલનું વનડેમાં પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, શુભમન ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ખેલાડી છે. અનેક મેચમાં ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે અત્યાર સુધી 35 વનડે મેચ રમી છે. જેમાં ગિલે 1 હજાર 917 રન બનાવ્યા છે. તેમણે આ દરમિયાન 6 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે. ગિલનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કોર 208 રન છે. તે બેવળી સદી પણ ફટકારી ચૂક્યો છે. શુભમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ઈંદોર વનડેમાં સદી ફટકારી હતી. આ પહેલાં મોહાલીમાં 74 રનની ઈનિંગ રમી હતી. જો તે ફિટ થઈે મેદાનમાં પરત ફરશે, તો તે ભારત માટે મોટો પ્લેસ પોઈન્ટ હશે.