આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ રોકેટ ગતિએ વધી રહ્યો છે. દુનિયાભરની મોટી ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓને AI ટુલ્સ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે વિશ્વની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ (CEO) સત્યા નડેલાએ એક ચોંકાવનારું અને મહત્વનું નિવેદન આપ્યું છે. નડેલાના મતે, દરેક સમસ્યાનું સમાધાન માત્ર AI હોઈ શકે નહીં અને દરેક કામ માટે સૌથી એડવાન્સ કે પાવરફુલ AI મોડેલની જરૂર હોતી નથી.
સત્યા નડેલાએ AI વ્યૂહરચના વિશે ખુલીને વાત કરી
તાજેતરમાં 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના 'હાર્ડ ફોર્ક' પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના આંતરિક કામકાજ અને AI વ્યૂહરચના વિશે ખુલીને વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે માઈક્રોસોફ્ટની અંદર AI નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. તેમણે રમુજી અંદાજમાં પોતાની જાતને "ટોકનમેક્સર" (Tokenmaxer) ગણાવ્યા હતા, એટલે કે એક એવી વ્યક્તિ જે AI ટુલ્સનો સતત અને વધુ પડતો ઉપયોગ કરે છે.
પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે નવી ટેકનોલોજી પ્રત્યેના શરૂઆતના ઉત્સાહ પછી, હવે એ સમજવાનો સમય આવી ગયો છે કે આપણે તેનાથી ખરેખર શું પ્રાપ્ત કરવું છે. નડેલાના જણાવ્યા મુજબ, માત્ર એઆઈનો ઉપયોગ વધારવો એ આપણો અંતિમ લક્ષ્ય ન હોવો જોઈએ, પરંતુ તે જોવું જોઈએ કે તે કામમાં કેટલું વાસ્તવિક મૂલ્ય ઉમેરે છે અને તેનાથી કેવા પરિણામો મળે છે.
સામાન્ય બાબતમાં AIનો ઉપયોગ ના કરશો
સત્યા નડેલાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું કે, સામાન્ય અને નાની સમસ્યાઓ (નૉન-ફ્રન્ટિયર પ્રોબ્લેમ) ઉકેલવા માટે અતિશય એડવાન્સ કે પાવરફુલ મોડેલ (ફ્રન્ટિયર મોડેલ) નો ઉપયોગ કરવો એ સંસાધનો, સમય અને ખર્ચ ત્રણેય દ્રષ્ટિએ નુકસાનકારક છે. કંપનીનો અત્યારનો મુખ્ય ફોકસ અલગ-અલગ કાર્યો માટે યોગ્ય AI મોડેલ પસંદ કરવાનો છે, જેથી કરીને શ્રેષ્ઠ પરિણામો મેળવવાની સાથે સાથે કમ્પ્યુટિંગ સંસાધનો અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે.
પોતાની વાતને સરળતાથી સમજાવવા માટે તેમણે 'માઈક્રોસોફ્ટ કોપાયલોટ' (Microsoft Copilot) ના 'ઓટો મોડ'નું ઉદાહરણ આપ્યું હતું. આ સિસ્ટમ આપમેળે નક્કી કરી શકે છે કે કયા ચોક્કસ કાર્ય માટે કયું AI મોડેલ સૌથી યોગ્ય રહેશે. આનાથી યુઝર્સે કોઈ તકનીકી જટિલતાઓમાં ગૂંચવવાની જરૂર રહેતી નથી. અંતમાં, તેમણે કર્મચારીઓને સલાહ આપી હતી કે તેઓ માત્ર AI ના આંકડાઓ પર ધ્યાન આપવાના બદલે તેનાથી મળતા વાસ્તવિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે. ભવિષ્યમાં સફળ AI વ્યૂહરચના એ જ ગણાશે જેમાં સાચી સમસ્યા માટે સાચી ટેકનોલોજી પસંદ કરવામાં આવે.
આ પણ વાંચો:એક સમયે સોના કરતાં પણ મોંઘો હતો ‘જાંબલી’ રંગ! કિંમત પાછળનું કારણ જાણીને ચોંકી જશો