AI સુવિધાઓ આવ્યા પછી તમારો ફોન પહેલા કરતા વધુ સ્માર્ટ બની રહ્યો છે, પરંતુ બદલાતી ટેકનોલોજીને કારણે પ્રાઈવસી સંબંધિત જોખમોને અવગણી શકાય નહીં. થોડા સમય પહેલા Google Gemini ને અપગ્રેડ મળ્યું હતું, જેના પછી હવે આ AI ટૂલ તમારા મેસેજ, ફોન અને WhatsApp ચેટ્સ પણ સરળતાથી વાંચી શકે છે. ગયા અઠવાડિયે, કેટલાક Android યુઝર્સ Google તરફથી એક ઇમેઇલ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 7 જુલાઈથી, Google તમારા ફોન પર કેટલીક એપ્લિકેશનો સાથે Gemini કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તે બદલી રહ્યું છે.
આ ઇમેઇલમાં, ગૂગલે જણાવ્યું હતું કે જેમિની ટૂંક સમયમાં તમને તમારા ફોન, મેસેજ, વોટ્સએપનો ઉપયોગ કરવામાં મદદ કરી શકશે, ભલે તમે ડિવાઇસ પર જેમિની એપ્સની એક્ટિવીટી બંધ કરી દીધી હોય. ગૂગલ કહે છે કે જેમિની એપ્સ તમને ગૂગલ AIનો સીધો એક્સેસ આપે છે અને તમારી ચેટ્સ તમારા એકાઉન્ટમાં 72 કલાક માટે સેવ થાય છે. આનો અર્થ એ છે કે તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારો પર્સનલ ડેટા જેમ કે વોટ્સએપ ચેટ્સ થોડા કલાકો માટે કંપની પાસે અસ્થાયી રૂપે સ્ટોર રહેશે.
જ્યારે આ અપડેટ જેમિનીને વધુ ઉપયોગી બનાવે છે, કારણ કે AI ચેટબોટ હવે તમારા WhatsApp મેસેજ વાંચી શકે છે અને તમારા વતી જવાબો મોકલી શકે છે, તે કેટલાક યુઝર્સ માટે માથાનો દુખાવો બની શકે છે જેઓ જેમિનીને તેમની પર્સનલ ચેટ્સની ઍક્સેસ નથી માગતા.

જેમિનીને કેવી રીતે રોકવું?
જો તમે બધી કનેક્ટેડ એપ્સ માટે જેમિની એક્ટિવિટી બંધ કરવા માગતા હો, તો તમારા એન્ડ્રોઇડ ફોન પર જેમિની ખોલો, પછી પ્રોફાઇલ પિક્ચર આઇકોન પર ટેપ કરો અને પછી જેમિની એપ્સ એક્ટિવિટી વિકલ્પ પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમને આ ફીચર બંધ કરવાનો વિકલ્પ મળશે.
આ સુવિધા બંધ કર્યા પછી પણ, જેમિની એપ્સની સલામતી અને સુરક્ષા જાળવવા માટે 72 કલાક માટે તમારો ડેટા સ્ટોર કરશે. જો તમે જેમિનીને કોઈ ચોક્કસ એપના ડેટાને ઍક્સેસ કરવાથી રોકવા માગતા હો, તો જેમિની એપમાં તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો અને એપ્સ પર ક્લિક કરો. અહીં તમે જેમિનીને કઈ એપ્સ સાથે કનેક્ટ કરવા માગો છો તે પસંદ કરી શકશો. તમે તમારા ફોન પર જેમિની એપને પણ બંધ કરી શકો છો જેથી AI ચેટબોટ તમારા ડિવાઇસ પર તમારી કોઈપણ પ્રવૃત્તિને ટ્રેક ન કરી શકે.