કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે કોડીનાર સુગરમિલના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા સાથે અનેક સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
10 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટાપાયે સુધારો થશે
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે કોડીનાર ખાતેથી કોડિનાર અને તાલાળા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, ઈન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોના પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટાપાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.
ખેડૂતો હવે 'ઉર્જાદાતા' પણ બનાવવાના છે
કોડીનાર ખાતે સુગરમિલના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 'આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરુ પાડી 'અન્નદાતા' કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઈથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઈથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઈથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો 'ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર' બની 'ઉર્જાદાતા' પણ બનાવવાના છે.'