ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો જૂના સચિવાલય ખાતે એકઠા થયા હતા. સચિવાયલ ખાતે વિરોધ પ્રદર્શન કરનારા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 5માં ભરતીમાં સંખ્યામાં વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 21 હજાર જગ્યા ખાલી છે જેની સામે માત્ર 5 હજારની ભરતી બહાર પડાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો.
રાજધાનીમાં શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે ઉમેદવારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધ કરનારા ઉમેદવારોની પોલીસે તમામની અટકાયત કરી. ધોરણ-1 થી 5માં 2011થી ખાલી જગ્યાઓ ભરવા સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. વિરોધ કરનાર એક ઉમેદવારે આક્રોશ સાથે કહ્યું કે એકબાજુ સરકાર યુવાનને રોજગારી આપવાના મોટા દાવા કરી રહ્યા છએ. ત્યારે અમે 10 વર્ષથી વધુના સમયથી શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યા છીએ. અને 21 હજાર જગ્યા સામે ફકત 5 હજારની ભરતી કરતા અન્ય ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારી માગ છે કે ખાલી પડેલ 21 હજાર જગ્યા સામે ઓછામાં ઓછા 10 થી 12 હજાર જેટલા લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવે.













