રાજકોટ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને અકળામણ આપતી ગરમી બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં હવામાન પલટાયું છે, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા બાદ પંથકમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. મેઘરાજાના આ ધબધબાટીભર્યા આગમનથી સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં એકાએક સરસ મજાની ઠંડક પ્રસરી ગઈ છે.
શાપર-વેરાવળથી લઈ રીબડા સુધી ધોધમાર વરસાદ
કોટડા સાંગાણી તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા શાપર, વેરાવળ તેમજ આજુબાજુના પારડી અને રીબડા સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બપોર પછી શરૂ થયેલા આ તોફાની વરસાદે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને શાપર-વેરાવળ પંથકને ઘમરોળી નાખ્યો હતો. લાંબા સમયથી જે વરસાદની કાગડોળે રાહ જોવાતી હતી, તે આખરે તોફાની ઇનિંગ સાથે તૂટી પડ્યો છે.













