ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ (૫.૭ ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. આ સિવાય ભિલોડામાં ૨.૯ ઇંચ, સતલાસણામાં ૨.૮ ઇંચ અને ધનસુરામાં ૨.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝનના આ પ્રથમ ધમાકેદાર વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવણીલાયક વરસાદ:
વાવ, થરાદ, લાખણી અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ રાત્રિ દરમિયાન મેઘ મહેર થતાં જ ખેડૂતોમાં નવી આશા જાગી છે. લાખણીના કુડા, મોરલ અને વાસણ ગામોમાં ધીમીધારે અમૃત વર્ષા થઈ છે. બીજી તરફ સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, કાંકરોલ કંપા અને હડિયોલમાં વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
અમીરગઢ અને ખેરાલુમાં નુકસાનીની ભીતિ:
અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
અરવલ્લી, પંચમહાલ અને ગાંધીનગરમાં સાર્વત્રિક માહોલ
અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં ૨.૨ ઇંચ અને કપડવંજમાં ૨.૧ ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી