રાજ્યભરમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. એકતરફ સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં મધ્યમ વરસાદી માહોલ જામશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની સંભાવના છે.













