સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે અસહ્ય ઉકળાટ અને અકળાવનારી ગરમીનો માહોલ છે, ત્યારે બફારા વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. જેમાં ખાસ કરીને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં પણ મેઘરાજા પોતાની હાજરી પુરાવશે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન
બીજી તરફ, મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘસવારી સત્તાવાર રીતે પહોંચી ગઈ છે. લોઅર પરેલ, ચેમ્બૂર અને નવી મુંબઈમાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદી ઝાપટા પડતાં મુંબઈગરાઓને લાંબા સમયની ગરમીમાંથી છુટકારો મળ્યો છે.
આગામી બે દિવસનું 'યેલો એલર્ટ' જાહેર
હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે આગામી બે દિવસનું 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે. ખાસ કરીને ૨૫ અને ૨૬ જૂનના રોજ મુંબઈમાં ચોમાસું ભારે જોર પકડશે અને મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં ચોમાસાની આ ધમાકેદાર એન્ટ્રીની અસર આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?