ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 10 જૂન સુધી વરસાદી માહોલ સંપૂર્ણપણે યથાવત રહેશે, જેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે.


આ જિલ્લાઓમાં આજે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 5 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે

દક્ષિણમાં પણ પડશે વરસાદ

જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન થાય તેવા સંકેતો છે. આજે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની યાદી મુજબ, પ્રારંભિક વરસાદ બાદ પણ 6 થી 10 જૂન દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ ગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અથવા ચોમાસાના આગમનના સંકેત રૂપે સતત વરસાદ ચાલુ રહેશે. ખેડૂતો માટે પણ આ વરસાદી માહોલ વાવણી પ્રક્રિયાના આયોજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.


આ પણ વાંચો---    Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

  • Follow us on: