દેશભરમાં આગામી અઠવાડિયામાં હવામાનમાં બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશવાની અણી પર છે. આ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ, વાવાઝોડું અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી ૨૪ કલાકમાં ચોમાસું કેરળ, લક્ષદ્વીપ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણ સાનુકૂળ છે.


પહાડી રાજ્યોમાં કરા અને હિમવર્ષાનું 'ઓરેન્જ એલર્ટ'

હવામાન વિભાગે કાંગરા, મંડી, કુલ્લુ, શિમલા અને સિરમૌરમાં કરા, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, દેહરાદૂન અને ટિહરીમાં ભારે વરસાદ અને કરાની ચેતવણી છે. પહાડોમાં ૪,૨૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિતના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડી શકે છે.

ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદી માહોલ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે કરા પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૩ થી ૫ જૂન દરમિયાન હવામાન વધુ સક્રિય રહેશે. આ સિવાય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ કોંકણ-ગોવા અને મરાઠવાડામાં પણ આગામી દિવસોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

પૂર્વોત્તરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન

અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિતના સાત રાજ્યોમાં આગામી સપ્તાહે વરસાદ ચાલુ રહેશે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અકાજન-લીકાબાલી-બામે રોડ પર અનેક જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થતાં ટ્રાફિક ખોરવાયો હતો, જેને જેસીબીની મદદથી વહીવટીતંત્રે પુનઃસ્થાપિત કર્યો છે. જો કે, હજુ પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આસામ અને મેઘાલયમાં ૮ અને ૯ જૂને ભારે વરસાદનું એલર્ટ છે.

રાજસ્થાનમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર

રાજસ્થાનમાં હાલ તીવ્ર ગરમીનો પ્રકોપ છે, જ્યાં જેસલમેર ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ નોંધાયું છે. જો કે, આગામી દિવસોમાં પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદની આગાહી છે, જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે. જો કે, પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો : Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

  • Follow us on: