જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે દેશના કૃષિ ક્ષેત્ર પર અલ-નીનોનું સંકટ ઘેરાવા લાગ્યું છે. ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના 12 રાજ્યો પર આની સૌથી ગંભીર અસર થવાની આશંકા સેવાઈ રહી છે. આ સંભવિત સંકટનો સામનો કરવા અને ખરીફ પાકોને બચાવવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
જૂનના અંતમાં IMDના નવા અનુમાન પર નજર
કૃષિ સચિવ અતીષ ચંદ્રાએ મીડિયા સાથેના વિશેષ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર જૂનના અંતમાં આવનારા ભારતીય હવામાન વિભાગના નવા પૂર્વાનુમાનની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ અલ-નીનોની સ્થિતિ અને તેની ચોક્કસ ટાઈમલાઈન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે, જેના આધારે સરકાર આગામી અંતિમ વ્યૂહરચના નક્કી કરશે.
12 રાજ્યોની યાદી તૈયાર
મંત્રાલયે મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી કરતા એવા 12 રાજ્યોની યાદી તૈયાર કરી છે જ્યાં સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
326 જિલ્લા હાઈ-રિસ્ક પર, સ્પેશિયલ એક્શન પ્લાન
કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, આ 12 પ્રભાવિત રાજ્યોના કુલ 236 જિલ્લાઓને 'હાઈ-રિસ્ક' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાઓ માટે જિલ્લા સ્તરીય વિશેષ કાર્ય યોજનાઓ અપડેટ કરવામાં આવી રહી છે.
આકસ્મિક યોજનાઓમાં જરૂરી ફેરફારો
હવામાનના આ ગંભીર પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કેન્દ્રીય શુષ્ક ભૂમિ કૃષિ અનુસંધાન સંસ્થાન અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના સક્રિય સહયોગથી આકસ્મિક યોજનાઓમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં ઉગાડવામાં આવતા તેલીબિયાં, ઓઈલ પામ, કઠોળ અને કપાસ જેવા મુખ્ય પાકોના મિશનની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે.
ચોમાસાની સ્થિતિ
હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળાની સરેરાશના આશરે 90 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે સામાન્ય કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. હાલમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 4 થી 5 દિવસ પાછળ ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અવરોધ બની રહ્યું છે. જો કે, તમિલનાડુ સિવાયના જે રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે.
IOD ન્યુટ્રલ થતાં ચિંતા વધી
અલ-નીનોની અસર નક્કી કરવામાં 'હિંદ મહાસાગર દ્વિધ્રુવ'ની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. મે મહિનામાં પોઝિટિવ રહ્યા બાદ જૂન મહિનામાં IOD ન્યુટ્લ થઈ ગયો છે. સામાન્ય રીતે પોઝિટિવ IOD અલ-નીનોની ખરાબ અસરને નાબૂદ કરે છે, પરંતુ ન્યુટ્રલ કે નેગેટિવ IOD ચોમાસાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આઈએમડી હજુ પણ આશાવાદી છે કે સમુદ્રમાં એવા ફેરફારો થશે જે અલ-નીનોની અસરને ઓછી કરશે.
ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી: સરકારની તૈયારીઓ
કૃષિ સચિવે દેશના ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું છે કે અલ-નીનોથી ગભરાવાની કોઈ જરૂર નથી. 2014-15ના વર્ષને બાદ કરતાં અલ-નીનો ભારતને ક્યારેય ભારે નુકસાન પહોંચાડી શક્યું નથી. વર્તમાન સમયમાં ભારત પાસે ક્લાઈમેટ-રેઝિલિયન્ટ (હવામાન અનુકૂળ) અદ્યતન બિયારણો ઉપલબ્ધ છે. ઉપરાંત, દેશના મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષ કરતાં વધુ સારું છે.
1 લાખથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ માળખાને પુનર્જીવિત કર્યા
ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે સરકારે 'અમૃત સરોવર યોજના' હેઠળ 75 હજાર તળાવોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને 1 લાખથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ માળખાને પુનર્જીવિત કર્યા છે. આ સાથે દેશમાં ખાતર નો સ્ટોક પણ પૂરતો છે, જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી પડશે નહીં. સિંચાઈ વગરના વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી