- UAE અને બહેરીને અન્ય મુસ્લિમ દેશો કરતાં પકડી અલગ દિશા
- ઇઝરાયલ સાથે બંને દેશોએ 2020માં કર્યા હતા અબ્રાહમ કરાર
- UAE અને બહેરીન સાથે ઇઝરાયલના રાજદ્વારી સંબંધો સ્થપાયા
હમાસ અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષને કારણે મધ્ય-પૂર્વની રાજનીતિમાં અચાનક મોટો ભૂકંપ લાવી દીધો છે. શનિવારથી ચાલી રહેલા આ સંઘર્ષને લઈને લગભગ તમામ મુસ્લિમ રાષ્ટ્રોએ પ્રતિક્રિયા આપી છે અને યુદ્ધ માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું છે. સાઉદી અરબ, કતાર, પાકિસ્તાન જેવા તમામ મુસ્લિમ રાષ્ટ્રોએ ઇઝરાયલની નિંદા કરતાં કહ્યું છે કે પેલેસ્ટાઇન માટે અલગ રાજ્ય (ટૂ નેશન સોલ્યુશન)ની સ્થાપના થવી જોઈએ. પરંતુ મધ્ય પૂર્વના બે ઈસ્લામિક રાષ્ટ્રોએ અન્ય મુસ્લિમ દેશોથી અલગ અભિગમ અપનાવ્યો છે.
અત્યારસુધી જેટલા પણ મુસ્લિમ રાષ્ટ્રોએ પ્રતિક્રિયા આપી છે કોઈએ પણ ઇઝરાયલ પર હુમલા માટે હમાસને દોષી ઠેરવીને નિશાને નથી લીધા. પરંતુ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને બહેરીને હમાસની ટીકા કરી સૌને ચોંકાવી દીધા છે.
UAE, બહેરીન સહિત તમામ મુસ્લિમ દેશો ક્યારેય ઇઝરાયલને મધ્ય-પૂર્વમાં ‘અછૂત’ તરીકે જોતાં હતા અને તેની સાથે કોઈપણ પ્રકારના સંબંધો નહોતા રાખ્યા. પરંતુ અમેરિકાના પ્રયાસોના પરિણામે સપ્ટેમ્બર 2020માં UAE અને બહેરીનએ ઇઝરાયલ સાથે અબ્રાહમ કરાર કર્યા હતા અને તેનથી રાજનૈતિક સંબંધો સ્થાપિત કર્યા હતા. UAE અને બહેરીન ઇઝરાયલની સાથે સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ અરબ દેશોમાં સામેલ છે.
રાજકીય સંબંધો સ્થાપિત થયાના ત્રણ વર્ષ બાદ હવે જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે આ બંને દેશોનું વલણ અન્ય અરબ દેશો કરતાં અલગ જોવા મળી રહ્યું છે. આ દેશોના સત્તાવાર નિવેદનથી સંકેત મળ્યા છે કે આ વખતે હમાસના હુમલાઓને લઈને તેઓ ઇઝરાયલની સાથે ઊભા છે.
UAEએ અન્ય મુસ્લિમ દેશો કરતાં પકડી અલગ દિશા
ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધને લઈને UAEએ જે કહ્યું તેનાથી સ્પષ્ટ સંકેતો મળે છે કે ઇઝરાયલને લઈને ઈસ્લામિક દેશોના વલણમાં પરિવર્તન આવ્યું છે.
યુએઇના વિદેશ મંત્રાલયે રવિવારે મોડી રાતે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે યુદ્ધ માટે હમાસ જવાબદાર છે. પેલેસ્ટાઇન સમૂહ હમાસના ઇઝરાયલી શહેરો પર હુમલાઓ અત્યંત ગંભીર વાત છે અને તેનથી તણાવની સ્થિતિ ઊભી થઈ ચે. મંત્રાલયે હિંસા ખતમ કરવા અને નાગરિકોની સુરક્ષાનું આહ્વાન કર્યું છે.
મંત્રાલયે કહ્યું છે કે ગાઝા પટ્ટી પાસે ઇઝરાયલી શહેરો અને ગામો સામે હમાસના હુમલા અત્યંત ગંભીર છેઃ અને તેનથી તણાવ ઊભો થયો છે. હમાસે લોકો પર હજ્જારો રોકેટ વરસાવ્યા અને ભારે ગોળીબાર પણ કર્યો છે. યુએઇ તે અહેવાલોથી સ્તબ્ધ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી નાગરિકોને તેમના ઘરો માંથી અપહરણ કરીને બંધક બનાવવામાં આવ્યા છે.
આ વાત પણ ઉલ્લેખ કરવા લાયક છે કે યુએઇએ પોતાના નિવેદનમાં ઇઝરાયલ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી નિવેદનમાં બંને પક્ષ તરફથી તણાવ ખતમ કરવાનું આહ્વાન કરતાં યુએઇએ કહ્યું છે કે તમામ પક્ષના નાગરિકોને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ હંમેશા પૂરેપૂરી સુરક્ષા મળવી જોઈએ અને ક્યારેય સંઘર્ષનું નિશાન ન બનાવવા જોઈએ.
બહેરીને પણ કરી પેલેસ્ટાઇનની આકરી ટીકા
યુએઇની જેમ, બહેરીને પણ વર્ષ 2020 માં અબ્રાહમ કરાર હેઠળ ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. બહેરીને પણ હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાની નિંદા કરી છે.
બહેરીને હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલી નાગરિકોનું તેમના ઘરમાંથી અપહરણ કરીને તેમણે બંધક બનાવવાને લઈને હમાસને આડેહાથ લીધું છે. આરબ દેશે કૂટનીતિ દ્વારા લડાઈ ખતમ કરવા પર બહાર મૂક્યો છે.
સોમવારે બહેરીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હમાસના હુમલાને કારણે સ્થિતિ ખતરનાક રીતે તનાવપૂર્ણ થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બહેરીન નાગરિકો ઇઝરાયલના નાગરિકોને તેમના ઘરેથી અપહરણ કરીને બંધક બનાવવાની ઘટનાની નિંદા કરે છે. બહેરીને પોતાના નિવેદનમાં લડાઈ રોકવા માટે તત્કાલ પ્રયાસ કરવા માટે આહ્વાન કર્યું છે.
મોરોક્કોએ આપી સંતુલિત પ્રતિક્રિયા
મોરોક્કોએ હમાસ તરફથી શરૂ કરવામાં આવેલ હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મોરોક્કોના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોરોક્કો ગાઝા પટ્ટીમાં સ્થિતિ બગડવા અને સૈન્ય કાર્યવાહી શરૂ થવાને લઈને ચિંતા વ્યક્ત કરે છે. દેશ નાગરિકો વિરુદ્ધ હુમલાની નિંદા કરે છે અને ઈચ્છે છે કે હુમલાઓ ન થાય.