- ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસનું દમન
- 16 વર્ષની કિશોરીને મારવામાં આવ્યો ઢોર માર
- અર્મિતાની કડક સુરક્ષા હેઠળ ચાલી રહી છે સારવાર
ઈરાનમાં એક છોકરીને હિજાબ ન પહેરવું મોંઘુ પડે છે. આવી જ એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. ઈરાનમાં અર્મિતા ગરવંદ નામની કિશોરીને હિજાબ ન પહેરવા બદલ માર મારવામાં આવ્યો, જેના કારણે અર્મિતા કોમામાં જતી રહી. ઈરાન પ્રશાસને હુમલાની ઘટનાને નકારી કાઢી છે. હાલમાં અર્મિતાની કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અર્મિતા ગરવંદ માત્ર 16 વર્ષની છે
અર્મિતા સાથે માત્ર જ ગેરવર્તણૂક જ નહીં પરંતુ મારપીટ પણ કરવામાં આવી હતી. માર એટલો ગંભીર હતો કે તે કોમામાં જતી રહી. પીડીત કિશોરી અર્મિતા ગરવંદ માત્ર 16 વર્ષની છે. અર્મિતા હાલમાં હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે.
હોસ્પિટલ પહોંચતા પહેલા જ કોમામાં
ઈરાનનાં તેહરાન મેટ્રો સ્ટેશન પર હિજાબ ન પહેરવાને લઈને અર્મિતા અને મહિલા પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. હિજાબ ન પહેરવાથી ગુસ્સે ભરાયેલા અધિકારીઓએ અર્મિતાને મારવાનું શરૂ કર્યું. આ ઘટનામાં અર્મિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેના માથા અને ગરદન પર ગંભીર ઈજાઓ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્મિતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ કોમામાં ચાલી ગઈ હતી. અર્મિતાની કડક સુરક્ષા હેઠળ ફજર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે અર્મિતાના પરિવારજનોનાં ફોન પણ જપ્ત કર્યા
આ દરમિયાન જ્યારે એક મહિલા પત્રકાર આ ઘટનાની જાણ કરવા હોસ્પિટલ પહોંચી ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ તેને છોડી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પોલીસે અર્મિતાના પરિવારના ફોન પણ જપ્ત કરી લીધા છે. સાથે જ અર્મિતાને મળવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પોલીસે યુવતી પર મારપીટ કરવાનો કર્યો ઇનકાર
આ મામલામાં તેહરાન મેટ્રોના મેનેજરે અર્મિતા સાથે કોઈપણ પ્રકારની મારપીટનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે છોકરી પર હુમલો થયો નથી. અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે લો બ્લડ પ્રેશરને કારણે અર્મિતા બેહોશ થઈ ગઈ હતી.
ઈરાનમાં હિજાબ એક મોટો મુદ્દો
તમને જણાવી દઈએ કે ઈરાનમાં હિજાબ એક મોટો મુદ્દો છે. લગભગ એક વર્ષ પહેલા મહસા અમીની નામની યુવતીને પોલીસે હિજાબ ન પહેરવા બદલ માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. મહસા અમીનીના મૃત્યુથી ગુસ્સે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને સમગ્ર ઈરાનમાં ઉગ્ર દેખાવો કર્યા હતાં. આ પ્રદર્શનમાં ઘણા લોકો માર્યા ગયા હતા.