ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસીની નક્કી થઈ ગઈ છે, તેનાથી અમેરિકાના મિત્ર કેનેડાનું ટેન્શન વધી ગયું છે. કારણ છે ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેની મિત્રતા જે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે મોંઘી સાબિત થઈ શકે છે. એલોન મસ્ક તેમના સ્પષ્ટવક્તા નિવેદનો અને ટિપ્પણીઓ માટે જાણીતા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી જસ્ટિન ટ્રુડો અને તેમની સરકારની સતત ટીકા કરી રહ્યા છે.


મસ્કની ભવિષ્યવાણી- ટ્રુડો તો ગયા...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કને ટેગ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, 'ટ્રુડોથી છૂટકારો મેળવવા માટે અમને કેનેડામાં તમારી મદદની જરૂર છે.' અબજોપતિ ટેક બિઝનેસમેન એલોન મસ્કે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું - આગામી ચૂંટણીમાં તેમની વિદાય નિશ્ચિત છે.

એલોન મસ્કે ભવિષ્યવાણી ચૂંટણીમાં ટ્રુડોની હારની કરી ભવિષ્યવાણી

ગુરુવારે પણ તેમણે ટ્રુડો વિશે એક પોસ્ટ કરી હતી. એક્સ યુઝરની પોસ્ટના જવાબમાં એલોન મસ્કે આગામી ચૂંટણીમાં ટ્રુડોની હારની ભવિષ્યવાણી કરી છે. કેનેડામાં આવતા વર્ષે 20 ઓક્ટોબર પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ ટ્રુડો સરકારની હાલત નાજુક છે. તે સરહદ પરથી ગેરકાયદેસર ઘૂસણખોરી, વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓથી પોતાના જ ઘરમાં ઘેરાયેલા છે, જ્યારે ભારત પરના પાયાવિહોણા આરોપોએ તેની વિશ્વસનીયતાને વધુ કલંકિત કરી છે.

અગાઉ પણ ટ્રુડોની ટીકા કરી ચૂક્યા છે મસ્ક

આ પહેલીવાર નથી કે જ્યારે ઈલોન મસ્કએ ટ્રુડોની ટીકા કરી હોય અથવા તેમની વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ તેઓ અનેક પ્રસંગોએ ટ્રુડોને ઘેરી ચૂક્યા છે. ગયા વર્ષે જ્યારે ટ્રુડો સરકાર ઓનલાઈન સ્ટ્રીમિંગ એક્ટ લાવી હતી, ત્યારે પણ મસ્કએ ટ્રુડો સરકાર પર 'ફ્રી સ્પીચ'ને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

ટ્રુડો સરકાર ઓનલાઈન સ્ટ્રીમિંગ એક્ટ લાવી

ટ્રુડો સરકાર Netflix, Disney Plus અને Spotify જેવી સ્ટ્રીમિંગ સેવાઓ તેમજ પરંપરાગત ટીવી અને રેડિયો પ્રસારણ પર નિયમો લાદવા માગતી હતી. આને ધ્યાનમાં રાખીને સરકાર 2022માં આ બિલ લાવી હતી જે એપ્રિલ 2023માં સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું.

જ્યારે મસ્કે ટ્રુડોની સરખામણી હિટલર સાથે કરી!

ફેબ્રુઆરી 2022માં કેનેડિયન ટ્રક ડ્રાઇવરોએ ટ્રુડો સરકારની આરોગ્ય નીતિ સામે વિરોધ કર્યો હતો. આ વિરોધીઓએ રસ્તાઓ અને પુલોને અવરોધિત કરીને વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું, જે દરમિયાન સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલોન મસ્કએ પણ પ્રતિક્રિયા આપી હતી. એલોન મસ્કે X પરની એક પોસ્ટમાં જસ્ટિન ટ્રુડોની હિટલર સાથે સરખામણી કરી હતી. તેમણે હિટલરની તસવીર સાથે એક મીમ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, 'ટ્રુડો સાથે મારી સરખામણી કરવાનું બંધ કરો.' અમેરિકન જ્યુઈશ કમિટીએ આ માટે ઈલોન મસ્કની તાત્કાલિક માફી માંગવાની પણ માંગ કરી હતી.

કેનેડાએ મસ્કની ઓફરને 'નોનસેન્સ' ગણાવી

સપ્ટેમ્બરમાં ટ્રુડો સરકારે કેનેડિયન કોમ્યુનિકેશન કંપની ટેલિસેટ માટે $2.14 બિલિયનની લોનની જાહેરાત કરી હતી. આ રકમનો હેતુ ટેલિસેટના લો-ઓર્બિટ સેટેલાઇટને પ્રોત્સાહન આપવાનો હતો, ખાસ કરીને દેશના દૂરના વિસ્તારો માટે. આ અંગે ઈલોન મસ્કે કેનેડા સરકારને ઓફર આપી હતી. મસ્કે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી તેમની કંપની સ્ટારલિંક કેનેડાના લોકોને વધુ સારી સુવિધા આપી શકે છે. મસ્કની ઓફર ટ્રુડો સરકારના ઉદ્યોગ મંત્રીએ નકારી કાઢી હતી અને તેને 'નોનસેન્સ' ગણાવી હતી.


  • Follow us on: