- હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધની સ્થિતિ
- ગાઝામાં બે દિવસમાં બીજી વખત જમીની હુમલો કર્યો
- હમાસ શાસિત વિસ્તારમાં ગ્રાઉન્ડ આક્રમણની તૈયારી કરી તેજ
હમાસ શાસિત વિસ્તારમાં સંભવિત ગ્રાઉન્ડ આક્રમણની તૈયારી કરી રહેલા ઈઝરાયલી દળોએ ગાઝામાં બે દિવસમાં બીજી વખત જમીની હુમલો કર્યો અને શહેરના બહારના વિસ્તારોને નિશાન બનાવામાં આવ્યું છે.
છેલ્લા 21 દિવસથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધ
છેલ્લા 21 દિવસથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધની પરિસ્થિતી સર્જાય છે. ઈઝરાયેલના જવાબી હુમલાના કારણે ત્યાંની ઈમારતો ધરાશાયી થઈ છે અને આજુબાજુનો વિસ્તાર ખંડેર બની ગયો છે. મળતી માહિતી મુજબ હમાસ શાસિત વિસ્તારમાં ગ્રાઉન્ડ આક્રમણની તૈયારી કરી રહેલા ઈઝરાયલી દળોએ ગાઝામાં બે દિવસમાં બીજી વખત જમીની હુમલો કર્યો અને શહેરના બહારના વિસ્તારોને નિશાન બનાવ્યા. ઈઝરાયેલની સેનાએ શુક્રવારે આ જાણકારી આપી. આ દરમિયાન અમેરિકન ફાઈટર પ્લેન્સે પૂર્વી સીરિયામાં કેટલીક જગ્યાઓ પર હુમલો પણ કર્યો હતો. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના કાર્યાલય પેન્ટાગોને જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના લક્ષ્યાંકો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
ગાઝામાં 2 દિવસમાં બીજી વખત જમીની હુમલો કર્યો
આ હવાઈ હુમલા ગયા અઠવાડિયે પ્રદેશમાં યુએસ સૈન્ય મથકો અને કર્મચારીઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. આ હુમલાઓએ ગાઝા યુદ્ધને લઈને પ્રાદેશિક તણાવમાં વધુ વધારો કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હમાસ શાસિત ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 2,900 થી વધુ સગીરો અને 1,500 થી વધુ મહિલાઓ સહિત 7,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. હમાસે ઑક્ટોબર 7ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં અણધાર્યો હુમલો કર્યો, જેના જવાબમાં ઇઝરાયેલે અનેક હવાઈ હુમલાઓ કર્યા.
હવાઇ હુમલામાં હજારો લોકો મોતને ભેટ્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અગાઉના ચારેય હુમલાઓમાં લગભગ 4,000 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલ સરકારના જણાવ્યા અનુસાર, હમાસના પ્રારંભિક હુમલા દરમિયાન ઇઝરાયેલમાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા. હમાસે ગાઝામાં ઓછામાં ઓછા 229 લોકોને બંધક બનાવી લીધા છે. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના હુમલા બાદ ગાઝા ગંભીર ઘેરાબંધી હેઠળ છે અને ત્યાં ખોરાક, પાણી અને દવાનો અભાવ છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ભૂમિ દળોએ છેલ્લા 24 કલાકમાં ગાઝાની અંદર ડઝનેક આતંકવાદીઓની જગ્યાઓ પર ત્રાટકી હતી.
આ દરમિયાન ગાઝા શહેરની બહારના ભાગમાં આવેલા શિજૈયા પર વિમાનો અને તોપો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. સેનાએ કહ્યું કે હુમલા કર્યા બાદ સૈન્યના જવાનો કોઈ પણ પ્રકારના નુકસાન વિના વિસ્તારની બહાર નીકળી ગયા હતા. આ હુમલાને જોતા હમાસના આતંકીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે.