• ચીને WHO ને સોંપ્યો ડેટા
  • આ નવો વાયરસ નથી: ચીન
  • બાળકોને જ રોગની અસર

ચીનના આરોગ્ય મંત્રાલયે રવિવારે એક સ્પષ્ટતા જારી કરી હતી કે દેશભરમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થવા પાછળ કોઈ નવો વાયરસ નથી. ચીનમાં 'બાળકોમાં ન્યુમોનિયા'ના વધતા સંક્રમણના અહેવાલ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ચિંતા વ્યક્ત કર્યા બાદ બેઈજિંગ તરફથી આ નિવેદન આવ્યું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ નવો વાયરસ નથી તો ઉત્તર ચીનમાં શ્વાસ સંબંધી રોગોમાં અચાનક વધારો થવાનું કારણ શું છે?

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે ફ્લૂ અને અન્ય જાણીતા પેથોજેન્સને કારણે દેશમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે શ્વસન સંબંધી રોગોના સામાન્ય કારણોમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H9N2), રાઈનોવાઈરસ, રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ અથવા RSV એડેનોવાઈરસ તેમજ માયકોપ્લાઝમા ન્યુમોનિયા જેવા બેક્ટેરિયા છે. આ બધા ફેફસાના ચેપ માટે જવાબદાર છે.

ચીને આમને જવાબદાર ઠેરવ્યા

WHOએ ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય પાસે દેશમાં વધી રહેલા શ્વાસન સબંધી ઇન્ફેક્શન સબંધિત ડેટા માંગ્યો હતો. ડેટા આપતા ચીને કહ્યું કે આની પાછળ કોઈ અસામાન્ય કે નવો વાયરસ મળી આવ્યો નથી. ચીનની હોસ્પિટલોમાં ઑક્ટોબરથી બેક્ટેરિયલ ચેપ, RSV, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય શરદીના કારણે બાળકોના એડમિટ થવામાં વધારો જોવા મળ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનને આ અંગે વધુ માહિતી આપવા વિનંતી કરી છે. ચીન ફ્લૂ, RSV અને SARS-CoV-2 જેવા વાયરસના વલણો પર નજીકથી નજર રાખી રહ્યું છે. દરમિયાન નિષ્ણાતો કહે છે કે એવા પૂરતા સંકેત નથી કે ચીનમાં શ્વસન રોગોના દર્દીઓમાં વધારો કોઈ નવા વાયરસના ચેપને કારણે થયો છે. ચીને શિયાળાના આગમન સાથે શ્વસન સંબંધી રોગોમાં થયેલા વધારાને પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં હટાવવામાં આવેલા કડક કોરોના પ્રતિબંધો સાથે જોડ્યો છે.

એક્સપર્ટનું શું છે કહેવું?

ઘણા નિષ્ણાતોએ કહ્યું કે શિયાળાનું આગમન, કોવિડ પ્રતિબંધનો અંત અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનો અભાવ આ ઇન્ફેક્શન માટે જવાબદાર હોઈ શકે છે. એવી આશંકા હતી કે લાંબા સમય સુધી કોવિડ લોકડાઉનને કારણે, ચીનના રહેવાસીઓએ વાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી નથી. યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસર ફ્રાન્કોઈસ બલોક્સે જણાવ્યું હતું કે, 'ચીને અન્ય કોઈપણ દેશ કરતાં વધુ લાંબુ અને વધુ કડક લોકડાઉન લાદ્યું હોવાથી, એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ચીનમાં રાહત આપ્યા બાદ લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે.' ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટીના પ્રોફેસર કેથરિન બેનેટે કહ્યું કે ચીનમાં કોવિડના કડક પ્રતિબંધોને કારણે શાળાઓ પણ લાંબા સમયથી બંધ રહી હતી. આવી સ્થિતિમાં નાના બાળકો સામાન્ય પેથોજેન્સના સંપર્કમાં ન આવ્યા હોય, તેથી તેમની નેચરલ ઇમ્યુનિટીનું સ્તર ઓછું હશે.

વધું એક મહામારીના સંકેત?

ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા સંક્રમણને લગતા સમાચારો સામે આવતાં જ કોરોના સમયગાળાની યાદો તાજી થઈ ગઈ. બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાના પ્રોફેસર પોલ હન્ટરએ કહ્યું, 'આ મને નવા વાયરસના કારણે ફેલાયેલી મહામારી જેવું નથી લાગતું. જો તે કિસ્સો હોત, તો પુખ્ત વયના લોકોમાં ઘણા વધુ ચેપ જોવા મળતો હોત. પુખ્ત વયના લોકોમાં નોંધાયેલા ઓછા મામલા સૂચવે છે કે તેઓ પહેલા પણ આ ચેપના સંપર્કમાં આવ્યા છે અને તેથી તેમની પાસે કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે.

SARS અને COVID પણ ન્યુમોનિયા તરીકે ફેલાયા હતા

નવા ફલૂ સ્ટ્રેન્સ અથવા રોગચાળો પેદા કરવા સક્ષમ અન્ય વાયરસનો ઉદભવ સામાન્ય રીતે શ્વસન બિમારી માટે જવાબદાર અજાણ્યા વાયરસથી શરૂ થાય છે. સાર્સ અને કોવિડ-19 બંનેને પ્રથમ વખત અસામાન્ય પ્રકારના ન્યુમોનિયા તરીકે નોંધવામાં આવ્યા હતા. WHO એ જણાવ્યું હતું કે બાળકોમાં શ્વસન સંબંધી રોગના આ નોંધાયેલા કેસોના જોખમનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે હાલમાં ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા COVID-19 રોગચાળાને લઈને તેમના પ્રારંભિક અહેવાલમાં ચીન અને WHO બંને પર પારદર્શિતાના અભાવનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

  • Follow us on: