ઈરાન દેશની રાજધાની તહેરાનની આઝાદ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ રિસર્ચમાં એક વિદ્યાર્થિની નગ્ન અવસ્થામાં ફરતી હોવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. વિદ્યાર્થિનીની આ કાર્યવાહીને સોશિયલ મીડિયા અને પશ્ચિમી મીડિયામાં ઈરાનમાં લાગુ કરવામાં આવેલા ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં જોવામાં આવી હતી. જો કે, ઈરાન સરકારે હવે કહ્યું છે કે વિદ્યાર્થિની માનસિક સમસ્યાઓથી પીડિત છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી છે.
આ ઘટના બાદ વિશ્વના અનેક સંગઠનો અને મહિલાઓના અધિકારોની વાત કરતા લોકોએ મહિલાઓના અધિકારો અને હિજાબના નિયમોને લઈને વિવાદને વેગ આપ્યો હતો. નગ્ન મહિલા ઈરાનના શાસન સામે હિંમતભેર ઊભી હોવાનું કહેવાય છે. જ્યારે ઈરાનના અધિકારીઓએ કહ્યું છે કે, "અમે આ મુદ્દાને સુરક્ષાના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ સામાજિક પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છીએ અને આ વિદ્યાર્થિનીની માનસિક સારવાર પર ધ્યાન આપી રહ્યા છીએ."













