ઈઝરાયલે શનિવારે આશરે 100 ફાઈટર જેટની મદદથી ઈરાનના જુદા-જુદા વિસ્તારોમાં હુમલો કર્યો હતો. ઈઝરાયલથી ઈરાનનું અંતર આશરે 2100 કિલોમીટર છે, જેના કારણે ઈઝરાયલે ઈરાનની સાથે ઈરાકની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. ઈરાકે તેના એરસ્પેસના ઉલ્લંઘન અંગે સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી છે.


 

ઈરાકે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે ઈરાકે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસ અને યુએન સિક્યુરિટી કાઉન્સિલને મોકલેલા વિરોધ પત્રમાં પાડોશી દેશ ઇરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલ દ્વારા તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની ઘટનાને વખોડી કાઢી છે.

મળતી માહિતી અનુસાર, ઈરાકના ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન પર 26 ઑક્ટોબરના હુમલામાં ઈરાકી એરસ્પેસનો ઉપયોગ કરીને ઈરાકની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરવામાં આવી છે.

ઈરાને યુએનને પત્ર લખ્યો હતો

ઈરાને પણ ઈઝરાયલના હુમલા સામે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસ અને યુએન સિક્યુરિટી કાઉન્સિલને પત્ર લખીને ઈઝરાયલના હુમલાની નિંદા કરવા માટે યુએનએસસીની બેઠક બોલાવવાની હાકલ કરી છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ઈરાનને પોતાના પર થયેલા હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે.

વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે ઈરાનને દેશ વિરુદ્ધ ઈઝરાયેલના ગુનાહિત આક્રમણનો જવાબ આપવાનો અધિકાર છે. આ પહેલા સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ પણ કહ્યું હતું કે, ‘’ઈઝરાયલને આપણી તાકાતનો અહેસાસ કરાવવો જરૂરી છે.’’

ઈઝરાયલનો ભીષણ હુમલો

ઈઝરાયલે પહેલી ઑક્ટોબરે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો બદલો લેવા શનિવારે પરોઢિયે જ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે ઈરાનના અનેક સૈન્ય મથકોને નિશાન બનાવ્યા અને આ હુમલામાં ઈરાનના 4 સૈનિકો માર્યા ગયા. ઈરાનનું કહેવું છે કે તેણે ઈઝરાયલના મોટાભાગના હુમલાઓ પહેલાથી જ રોકી દીધા છે, જ્યારે ઈરાને તેના હુમલાને સફળ જાહેર કર્યો છે.

આ હુમલા દરમિયાન ઈઝરાયલે ઘણા આરબ દેશોના વિસ્તારોનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, અમેરિકન વિમાનોએ ઈઝરાયલી જેટમાં ઈંધણ ભરવા માટે કુવૈતના અમેરિકન એરબેઝથી ઉડાન ભરી હતી, આ સિવાય આ હુમલામાં ઈરાકી અને સીરિયાના વિસ્તારોમાં પણ નુકસાન થયાના અહેવાલ છે.


  • Follow us on: