- ગાઝાને આવશ્યક સહાય પહોંચાડવાની ઈજિપ્તની ક્ષમતા મર્યાદિત
- ઈઝરાયેલની શરતોને હમાસ દ્વારા સ્વીકારાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ
- યુએનએસસીમાં અમેરિકાએ કર્યો ઈઝરાયેલની તરફેણમાં વીટો
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જાહેરાત કરી છે કે ઇઝરાયેલ ઇજિપ્તને ગાઝામાં સહાયની મંજૂરી આપશે. કાર્યાલયે કહ્યું છે કે પેલેસ્ટિનિયન પ્રદેશમાં ફક્ત ખોરાક, પાણી અને દવાઓની મંજૂરી આપવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યારે પહોંચશે સહાય?
ઈઝરાયેલે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે સહાય ગાઝા સુધી ક્યારે પહોંચવાનું શરૂ થશે. રફાહ સરહદેથી ગાઝાને આવશ્યક સહાય પહોંચાડવાની ઇજિપ્તની ક્ષમતા મર્યાદિત છે. ઇજિપ્તે કહ્યું છે કે ઇઝરાયેલના હવાઇ હુમલાથી સરહદી વિસ્તારમાં નુકસાન થયું છે. આ મંજૂરી આપવાની સાથે ઈઝરાયેલે ત્રણ શરતો પણ મૂકી છે. ઈઝરાયેલનું કહેવું છે કે જો આ શરતોનું પાલન કરવામાં આવશે તો જ તે તેને મંજૂરી આપશે. આવી સ્થિતિમાં હવે હમાસે નક્કી કરવાનું છે કે તે ઇઝરાયેલની શરતો સ્વીકારે છે કે નહીં.
ઇઝરાયેલની શરતો
ઈઝરાયેલે પ્રથમ શરતમાં કહ્યું છે કે તે ખોરાક, પાણી અને દવાઓનો પુરવઠો બંધ કરશે નહીં, જો કે પુરવઠો હમાસ સુધી પહોંચે નહીં. નિવેદનમાં અત્યંત જરૂરી બળતણનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બીજી શરત એ છે કે ઇઝરાયલ તેના પ્રદેશમાંથી ગાઝાને પુરવઠો પહોંચાડવા દેશે નહીં. આ સહાય ઇજિપ્તની સરહદ દ્વારા જ ગાઝા સુધી પહોંચાડવામાં આવશે. ઈઝરાયેલની ત્રીજી શરત એ છે કે ઈન્ટરનેશનલ રેડક્રોસને ગાઝામાં બંધક બનાવવામાં આવેલા અપહરણ કરાયેલા ઈઝરાયેલીઓને મળવાની મંજૂરી આપવામાં આવે. ઈઝરાયેલની આ જાહેરાત પર હમાસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અમેરિકાનો યુએનએસસીમાં ઈઝરાયેલ વિરુદ્ધના પ્રસ્તાવને વીટો
યુ.એસ.એ બુધવારે યુએનના એક ઠરાવને વીટો કર્યો હતો જેમાં ઇઝરાયેલને હમાસના હુમલા, નાગરિકો સામેની હિંસાની નિંદા કરવા અને ગાઝામાં નાગરિકોને માનવીય સહાય પહોંચાડવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. પંદર સભ્યોની સુરક્ષા પરિષદના 12 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. યુએસએ આ પ્રસ્તાવનાં વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે બે સભ્યોએ ગેરહાજર રહ્યા હતાં.