અમેરિકન સરકાર તરફથી પૂર્વ આફ્રિકામાં સહાય ઘટાડવાનો નિર્ણય લેવાયા બાદ પૂર્વ આફ્રિકામાં પરિસ્થિતિ હાલ ખુબજ ખરાબ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો ફિઝિશિયન ફોર હ્યુમન રાઈટ્સ એટલે કે PHRના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જે મુજબ પૂર્વ આફ્રિકામાં દવાઓની અછતના કારણે HIV વકરી રહ્યો છે.
PHRના રિપોર્ટમાં થયો ખુલાસો
ફિઝિશિયન ફોર હ્યુમન રાઈટ્સ એટલેકે PHR તરફથી રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂર્વ આફ્રિકાને અમેરિકન સરકાર તરફથી મળતી આર્થિક અને મેડિકલ સહાય ઘટાડવાનો નિર્ણય લેવાયા બાદ પૂર્વ આફ્રિકામાં દવાઓની કટોકટી સર્જાઇ છે. દવાઓની અછતના લીધે ઘણી માતાઓ તેમના બાળકોને HIV થી બચાવી શકી નથી. આમ થવાને કારણે પૂર્વ આફ્રિકામાં પરિણામ એ આવ્યું કે આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે અને કેટલીક મહિલાઓને ગર્ભપાત કરાવવાની પણ ફરજ પડી છે.
પૂર્વ આફ્રિકામાં જન જીવન જોખમમાં
પૂર્વ આફ્રિકાના તાંઝાનિયા અને યુગાન્ડાના ડોકટરો, નર્સો, દર્દીઓ અને નિષ્ણાતો તરફથી જે માહિતીઓ અને નિવેદનો ફિઝિશિયન ફોર હ્યુમન રાઈટ્સના રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે એ મુજબ અમેરિકન કાર્યક્રમ પેપફર બંધ થવાને કારણે લોકોના જીવન જોખમમાં મુકાયા હતા જે કારણે તાંઝાનિયા અને યુગાન્ડાના સહિત સમગ્ર પૂર્વ આફ્રિકામાં આરોગ્ય વ્યવસ્થાને માઠી અસર થઈ છે અને HIV જેવી ગંભીર બીમારી કાબૂ બહાર જતાં જન જીવન જોખમમાં મુકાયું છે.
અમેરિકન કાર્યક્રમ પેપફર શું છે?
પૂર્વ આફ્રિકામાં આર્થિક પછાત અને ગરીબ વર્ગને મદદ કરવા માટે 2003માં શરૂ થયેલ પેપફર અમેરિકાનો સૌથી મોટો વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમ છે. આ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત, આફ્રિકા સહિત ઘણા દેશોમાં લાખો લોકો સુધી મેડિકલ સહાય અને અન્ય મદદ પહોંચાડીને લોકોના જીવ બચાવાયા છે. મળતી માહિતી મુજબ ટ્રમ્પ વહીવટીતંત્રે 2025 માટે અલગ રાખેલા $6 બિલિયનમાંથી અડધા રોકી દીધા છે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાએ પૂર્વ આફ્રિકામાં જન જીવન બચાવવા માટે તાત્કાલિક ભંડોળ પાછું આપવું જોઈએ જેથી છેલ્લા 20 વર્ષની મહેનત વ્યર્થ ન જાય.