અમેરિકાના ઓહાયો રાજ્યના ટોલેડો શહેરમાં યોજાયેલા ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું છે કે ગોળીબારમાં સામેલ એક અથવા વધુ શંકાસ્પદ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 5:37 વાગ્યે ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક ગોળીબારની માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને અનેક લોકો ગોળી વાગવાથી ઘાયલ હાલતમાં મળ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટોલેડોના મેયર વેડ કાપ્સઝુકિવિઝે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ 8 લોકોને ગોળી વાગી છે. જોકે, તમામ ઘાયલો હાલ જોખમથી બહાર હોવાનું જણાવાયું છે.
એજન્સીઓ જવાબદાર લોકોને ઝડપથી પકડી લેશે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોળીબારના અવાજો વચ્ચે લોકો ભાગતા અને ચીસો પાડતા જોવા મળે છે. અન્ય વીડિયોમાં બે લોકોને સ્ટ્રેચર પર લઈ જવામાં આવતા તેમજ કેટલાક ઘાયલોને એક ટેન્ટ નજીક ઘાસ પર સુવાડવામાં આવેલા પણ જોવા મળે છે. મેયરે જણાવ્યું કે ઉનાળાની ઋતુમાં યોજાતા આવા ફેસ્ટિવલ પરિવાર માટે સુરક્ષિત સ્થળ હોવા જોઈએ, જ્યાં લોકો નિર્ભયતાથી સમય પસાર કરી શકે. તેમણે ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં ઘાયલો માટે પ્રાર્થના કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાયદા અમલમાં મુકતી એજન્સીઓ જવાબદાર લોકોને ઝડપથી પકડી લેશે.
લોકોમાં ચિંતાનો માહોલ
ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલને ઓહાયોના સૌથી મોટા ફેસ્ટિવલોમાંનું એક માનવામાં આવે છે. બે દિવસ ચાલતા આ કાર્યક્રમમાં લાઈવ મ્યુઝિક, ફૂડ માર્કેટ, બિયર ગાર્ડન, ઐતિહાસિક મકાનોની મુલાકાત અને ખરીદી જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ હાલ ફાયરિંગની ઘટનાના આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ છે. ફેસ્ટિવલના નકશા અનુસાર આ વિસ્તાર કાર્યક્રમના મુખ્ય સંગીત અને ફૂડ સ્ટોલ ઝોન તરીકે ઓળખાય છે. આ દરમિયાન માઈક ડીવાઈને સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે તેઓ ટોલેડોની સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને ઘટનાની સતત માહિતી મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : Iran War: વેનેઝુએલા અને ઈરાન વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો