અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક અત્યંત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે, જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે 'હેલહોલ' (નરક જેવી જગ્યા) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ મૂળરૂપે કન્ઝર્વેટિવ પોડકાસ્ટ હોસ્ટ માઈકલ સેવેજની હતી, જેને ટ્રમ્પે સમર્થન આપતા શેર કરી હતી. આ નિવેદનને કારણે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને એશિયાઈ સમુદાયમાં ચર્ચા અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
બર્થરાઈટ સિટિઝનશિપનો વિરોધ
આ વિવાદના મૂળમાં અમેરિકાનો 'બર્થરાઈટ સિટિઝનશિપ' (જન્મના આધારે નાગરિકતા) કાયદો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો માને છે કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. પોસ્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રવાસીઓ અમેરિકામાં બાળકને જન્મ આપીને નાગરિકતા મેળવે છે અને ત્યારબાદ ભારત કે ચીન જેવા દેશોમાંથી તેમના આખા પરિવારને અમેરિકા બોલાવી લે છે. ટ્રમ્પ આ કાયદામાં ફેરફાર કરીને નાગરિકતા પર રોક લગાવવા માંગે છે.
અમેરિકામાં ભારતીયોનો વધતો પ્રભાવ
ટ્રમ્પના આ ગુસ્સા પાછળનું એક કારણ ભારતીયોની વધતી વસ્તી અને મજબૂત આર્થિક સ્થિતિ પણ હોઈ શકે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2025ના અહેવાલ મુજબ, અમેરિકામાં ભારતીય-અમેરિકનોની વસ્તી આશરે 52 લાખ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 23 વર્ષમાં ભારતીય વસ્તીમાં 174% જેટલો જંગી વધારો થયો છે.
આર્થિક અને શૈક્ષણિક રીતે મજબૂત સમુદાય
ભારતીયો માત્ર સંખ્યામાં જ નહીં, પરંતુ ગુણવત્તામાં પણ આગળ છે. 77% ભારતીયો ગ્રેજ્યુએટ છે અને તેમની સરેરાશ વાર્ષિક કૌટુંબિક આવક 1,51,200 ડોલર છે, જે એશિયાઈ સરેરાશ કરતા ઘણી વધારે છે. અમેરિકામાં 84% ભારતીયો અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે ઘરે ગુજરાતી (10%), હિન્દી, તેલુગુ અને તમિલ જેવી ભાષાઓ બોલાય છે. કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં ભારતીયોનો ભારે પ્રભાવ છે. હાલમાં આ નાગરિકતાનો મુદ્દો અમેરિકાની કોર્ટમાં છે, પરંતુ ટ્રમ્પના આ નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો:Chinese Scientist:ચીનમાં 8 મોટા વૈજ્ઞાનિકોના મોતથી ખળભળાટ,અમેરિકામાં પણ સ્થિતિ ગંભીર