બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય, ખાસ કરીને હિન્દુઓ સામે વધી રહેલી હિંસાની ઘટનાઓ ફરી એકવાર ચિંતાનો વિષય બની છે. તાજેતરની ઘટના રાજબારી જિલ્લાના સદર ઉપજિલ્લામાં બની, જ્યાં એક હિન્દુ યુવાનને કથિત રીતે ઇરાદાપૂર્વક વાહન હેઠળ કચડીને મારી નાખવામાં આવ્યો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાવી દીધો છે અને દેશની લઘુમતી સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે.


મૃતકની ઓળખ 30 વર્ષીય રિપોન સાહા

મૃતકની ઓળખ 30 વર્ષીય રિપોન સાહા તરીકે થઈ છે. તે રાજબારીના ગોલંદા મોર પાસે આવેલા કરીમ ફિલિંગ સ્ટેશન પર પેટ્રોલ પંપ કર્મચારી તરીકે કામ કરતો હતો. સ્થાનિક મીડિયા અને પોલીસના જણાવ્યા અનુસાર, એક વાહનચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રિપોન સાહાએ નિયમ મુજબ પૈસા માંગ્યા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થિતિ બગડી ગઈ.

 ગુસ્સામાં આવીને ગાડી આગળ વધારી

આરોપ છે કે ડ્રાઇવરે ગુસ્સામાં આવીને ગાડી આગળ વધારી અને રિપોન સાહાને સીધા કચડી નાખ્યો. ગંભીર ઇજાઓને કારણે રિપોનનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાના તરત બાદ આરોપી વાહન લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને વાહન જપ્ત કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે વાહનના માલિક અબુલ હાશેમની ધરપકડ કરવામાં આવી છે, જે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના રાજબારી જિલ્લા એકમના ભૂતપૂર્વ ખજાનચી હોવાનું કહેવાય છે. ઘટનાના સમયે વાહન ચલાવનાર ડ્રાઇવર કમાલ હુસૈનને પણ બાનીભાન નિપારા ગામમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે.

આ પહેલી ઘટના નથી

રાજબારી સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સ્પષ્ટ કહ્યું છે કે આ ઘટના કોઈ અકસ્માત નથી, પરંતુ સ્પષ્ટપણે હત્યાનો કેસ છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી. તાજેતરમાં ફેની જિલ્લાના દાગનભુઇયાન ઉપજિલ્લામાં હિન્દુ યુવાન સમીર દાસની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી, જેનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. આવી સતત ઘટનાઓને કારણે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયમાં ભય અને અસુરક્ષાની લાગણી વધી રહી છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હુમલાઓ

આ મામલે 9 જાન્યુઆરીએ ભારતે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર થતા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે બાંગ્લાદેશ સરકારને આ પ્રકારની સાંપ્રદાયિક હિંસા રોકવા માટે કડક પગલાં લેવાની અપીલ કરી છે. માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે વર્તમાન વચગાળાની સરકાર માટે લઘુમતીઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે.

આ પણ વાંચો : Kashi સામે કાવતરું? વારાણસીમાં CM યોગીનો મોટો ખુલાસો, ખંડણીની વાતથી હલચલ


  • Follow us on: