ભારત પર લાદવામાં આવેલા 25 ટકા અમેરિકન ટેરિફથી દેશના ઘણા ક્ષેત્રો પ્રભાવિત થશે. તેની અસર ફાર્મા સેક્ટર પર પણ જોવા મળશે. પરંતુ આ અસર અમેરિકામાં થશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદવાથી અમેરિકામાં આવશ્યક દવાઓની કિંમતમાં વધારો થશે.


ફાર્મા સેક્ટર પર અસર થશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફથી ભારતની ચિંતા વધી છે. પરંતુ તેનાથી અમેરિકામાં ઘણી વસ્તુઓ મોંઘી પણ થશે. તેની સૌથી મોટી અસર ફાર્મા સેક્ટર પર જોવા મળશે. આ ટેરિફને કારણે, અમેરિકાના ગ્રાહકો અને આરોગ્ય ક્ષેત્રને આગામી સમયમાં નુકસાન થશે. ફાર્મેક્સિલના ચેરમેન નમિત જોશીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન બજાર કાચા માલ અને ઓછી કિંમતની જેનેરિક દવાઓ માટે ભારત પર નિર્ભર છે. ભારતના વ્યાપક પાયા અને ગુણવત્તા સાથે મેળ ખાતા વૈકલ્પિક રસ્તાઓ શોધવામાં તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેરિફ લાદવાનું કારણ આવ્યુ સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આ ટેરિફની જાહેરાત એવા સમયે કરી છે. જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર સંવાદ યથાવત છે આ ટેરિફને વાટાઘાટોમાં કેટલીક અવરોધોનો સંકેત માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ટ્રમ્પે રશિયા પાસેથી લશ્કરી સાધનો અને તેલ ખરીદવા બદલ વધારાના દંડ લાદવાનો પણ નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારત પર તેની માંગણીઓ સ્વીકારવા માટે આ ટેરિફ લગાવ્યો છે.

વિક્ષેપથી દવાઓની અછત થશે

ફાર્મેક્સિલના ચેરમેને જણાવ્યુ છે કે, લાંબા સમયથી ભારત વિશ્વને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ સપ્લાય કરી રહ્યું છે. અમેરિકા ભારત પાસેથી તેની કુલ જેનેરિક દવાઓની 47 ટકા જરૂરિયાતો પૂરી કરી લે છે. ફાર્મેક્સિલએ કહ્યું કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવનરક્ષક કેન્સર દવાઓ, એન્ટિબાયોટિક્સ અને ક્રોનિક રોગોની સારવારમાં જરૂરી દવાઓ પોષણક્ષમ ભાવે પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સપ્લાય ચેઇનમાં કોઈપણ વિક્ષેપના કારણે દવાઓની અછત થશે અને તેમની કિંમતો પણ વધશે. જે અમેરિકન ગ્રાહકો અને આરોગ્ય ક્ષેત્રને નુકસાન પહોંચાડી શકે છે. 

  • Follow us on: