અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર કરેલી તાજેતરની પોસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી ચર્ચાનો માહોલ ઉભો થયો છે. પોતાના નિવેદનમાં તેમણે ઈરાનની રાજકીય સ્થિતિ અને હોર્મુઝની ખાડી પર નિયંત્રણને લઈને કડક ટિપ્પણી કરી છે.



ઈરાન હાલ પોતાના નેતૃત્વને લઈને ભારે ગૂંચવણમાં: ટ્રમ્પ

ટ્રમ્પે લખ્યું કે ઈરાન હાલ પોતાના નેતૃત્વને લઈને ભારે ગૂંચવણમાં છે અને ત્યાં સ્થિર નેતૃત્વની સ્થિતિ સ્પષ્ટ નથી. તેમણે વધુમાં દાવો કર્યો કે અમેરિકા પાસે હાલમાં હોર્મુઝની ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ છે અને કોઈપણ જહાજ અમેરિકન નૌસેનાની મંજૂરી વિના આ માર્ગમાંથી પસાર થઈ શકતું નથી. તેમણે આ ખાડી “Sealed up Tight” હોવાનું પણ જણાવ્યું હતું.

 ભૂ-રાજકીય તણાવ વધવાની આશંકા

આ નિવેદનના અંતમાં ટ્રમ્પે ઈરાનને સંદેશ આપતા કહ્યું કે જ્યારે સુધી ઈરાન કોઈ સમજૂતી અથવા કરાર સુધી પહોંચતું નથી, ત્યાં સુધી પરિસ્થિતિ યથાવત રહેશે. તેમના આ નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીથી ભૂ-રાજકીય તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે, જેના કારણે અહીંની કોઈપણ સ્થિતિ સીધી રીતે વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરે છે.

ટ્રમ્પના આ નિવેદન બાદ રાજકીય વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. હાલ સુધી અમેરિકન સરકાર અથવા ઈરાન તરફથી આ નિવેદન અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ પર આંતરરાષ્ટ્રીય નજર સતત બની રહી છે.

આ પણ વાંચો : India-Germany સાથે કામ કરશે તો વૈશ્વિક સ્થિરતામાં થશે વધારો: રાજનાથ સિંહ



  • Follow us on: