અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને યુદ્ધની સીધી અસર હવે દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટ પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોકેટ ગતિએ વધતા પ્રોપર્ટીના ભાવમાં કોવિડ મહામારી પછી પહેલીવાર મોટો ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, માર્ચ મહિનામાં હોમ પ્રાઇસ ઇન્ડેક્સમાં 5.9 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શેરબજારમાં રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ 20 ટકા જેટલો તૂટ્યો છે.
શા માટે માર્કેટમાં ઘટાડો આવ્યો?
ભૌગોલિક અને રાજકીય અસ્થિરતા (Geo-political instability) આ ઘટાડાનું મુખ્ય કારણ છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાન દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને કારણે ખાડી દેશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હજારો મિસાઇલો અને ડ્રોન હુમલાના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. દુબઈના બ્રોકરેજ ફર્મ્સનું કહેવું છે કે હવે સ્થિતિ પહેલા જેવી રહી નથી અને ઘણા લોકો સુરક્ષાના કારણોસર દુબઈ છોડી રહ્યા છે.













