અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ સમક્ષ ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે. ભવિષ્યમાં આવી સમસ્યાઓથી બચવા માટે હવે ઘણા દેશો પરમાણુ ઉર્જા (Nuclear Energy) તરફ ડગલાં માંડી રહ્યા છે.
એશિયા ખંડ સૌથી વધુ પ્રભાવિ
ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં આવેલા સંકટથી આફ્રિકા અને એશિયાના કેટલાક દેશો નવા વિકલ્પોની શોધ કરી રહ્યા છે. અનેક દેશો હવે પરમાણુ ઉર્જા ઉત્પાદન વિશે પણ વિચારી રહ્યા છે. હવે આ બંને ખંડોના એવા દેશોમાં પણ પરમાણુ ઉર્જાના આયોજનો વેગ પકડી રહ્યા છે જેમની પાસે અત્યાર સુધી આ ઉર્જા નથી. યુદ્ધના કારણે એશિયા ખંડ સૌથી વધુ પ્રભાવિત થયો છે, કારણ કે મધ્ય પૂર્વના મોટાભાગના તેલ અને કુદરતી ગેસનો વપરાશ આ જ ખંડમાં હતો. યુદ્ધના કારણે આફ્રિકા પણ તેની લપેટમાં આવ્યું છે. આ ઉપરાંત અમેરિકા અને યુરોપ પણ સંકટનો સામનો કરી રહ્યા છે.
પરમાણુ ઉર્જાથી ઉકેલ આવશે?
જ્યારે ઉર્જા સંકટ વધ્યું છે, ત્યારે જે આફ્રિકા અને એશિયાઈ દેશો પાસે પરમાણુ પ્લાન્ટ છે તેઓ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છે. જે દેશો પાસે અત્યારે પરમાણુ ઉર્જા નથી, તેઓ ભવિષ્યના સંકટથી બચવા માટે લાંબા ગાળાના આયોજન પર ઝડપથી કામ કરી રહ્યા છે. જોકે, પરમાણુ ઉર્જા વિકસાવવામાં દાયકાઓ લાગી શકે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આજનું આ આયોજન ભવિષ્યમાં ઉર્જા વ્યવસ્થાનો સ્થાયી હિસ્સો બનશે.
એશિયા અને આફ્રિકાના દેશોના પ્રયાસો
દક્ષિણ કોરિયા પરમાણુ ઉત્પાદન વધારી રહ્યું છે, જ્યારે તાઇવાન બંધ પડેલા રિએક્ટરો ફરી શરૂ કરવા વિચારી રહ્યું છે. આફ્રિકામાં કેન્યા, રવાન્ડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ પણ આ દિશામાં સમર્થન જાહેર કર્યું છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) અનુસાર, હાલમાં 31 દેશો પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે અને અન્ય 40 દેશો આ ટેકનોલોજી અપનાવવાની તૈયારીમાં છે.
અમેરિકા અને રશિયા વચ્ચે સ્પર્ધા
આફ્રિકામાં પ્રભાવ વધારવા માટે વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે હોડ જામી છે. રશિયાની કંપની 'રોસાટોમ' ઇજિપ્તમાં પહેલું રિએક્ટર બનાવી રહી છે અને ઇથોપિયા, ઘાના જેવા દેશો સાથે સમજૂતી કરી છે. બીજી તરફ, અમેરિકા પણ કેન્યા અને ઘાના સાથે મળીને સુરક્ષિત સિવિલ ન્યુક્લિયર રિએક્ટરો વિકસાવવા કામ કરી રહ્યું છે.
પરમાણુ ઉર્જા સાથે જોખમો પણ જોડાયેલા છે.
પરમાણુ ઉર્જા સાથે જોખમો પણ જોડાયેલા છે. તે પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં પગલું હોઈ શકે છે. સાથે જ, યુદ્ધ દરમિયાન આ પ્લાન્ટ્સ નિશાના પર રહે છે (જેમ કે રશિયા-યુક્રેન યુદ્ધમાં જોવા મળ્યું). નિષ્ણાતોનું કહેવું છે કે પરમાણુ ઉર્જાના બદલે દેશોએ રિન્યુએબલ એનર્જી પર વધુ ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો:Canada માં રહેતા ઇમિગ્રન્ટ્સ માટે માઠા સમાચાર, 30,000 ઇમિગ્રન્ટ્સને સરકારની નોટિસ