કેનેડામાં વસતા ભારતીયો અને વ્યાપારીઓ પર ગેંગસ્ટરોના હુમલા અને ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેનેડાના બ્રામ્પટન (Brampton) માં એક ભારતીય રેસ્ટોરન્ટની બહાર અંધાધૂંધ ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાના માણસોએ આ હુમલાની સત્તાવાર જવાબદારી લીધી છે. આ સાથે જ રેસ્ટોરન્ટના માલિકને ખુલ્લેઆમ એવી ધમકી આપવામાં આવી છે કે જો વાત માનવામાં નહીં આવે તો આગામી વખતે હુમલાખોરો સીધા તેના ઘર સુધી પહોંચશે.


વિદ્યાર્થીઓના પૈસા ન ચૂકવવાનો આરોપ

મળતી માહિતી મુજબ, બ્રામ્પટન સ્થિત 'દાલ રોટી' (Dal Roti) નામની રેસ્ટોરન્ટની બહાર આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેનો કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ પોસ્ટમાં પોતાને 'રાજા પહેલવાન' ગણાવતા એક શખ્સે દાવો કર્યો છે કે તેણે અને તેના સાથીએ મળીને આ ફાયરિંગ કર્યું છે. પોસ્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેસ્ટોરન્ટના માલિકે ત્યાં કામ કરતા કેટલાય વિદ્યાર્થીઓને તેમની મહેનતની કમાણીના પૈસા ચૂકવ્યા નહોતા. માલિકને પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તે ન માનતા ચેતવણીના ભાગરૂપે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ગેંગસ્ટર રોહિત ગોદારાનું નામ આવ્યું સામે

આ સોશિયલ મીડિયા પોસ્ટમાં કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટ કરનારે ગોદારાને પોતાનો ભાઈ ગણાવ્યો છે અને લખ્યું છે કે, જે કોઈ પણ તેની વિરુદ્ધ બોલશે તેને દુશ્મન માનવામાં આવશે. આ સાથે જ ગેંગના ફોન કોલ્સને નજરઅંદાજ કરનારા અન્ય કેટલાક સ્થાનિક લોકોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપીને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.

મોન્ટ્રિયલમાં પણ અગાઉ થયું હતું લોહિયાળ ફાયરિંગ

કેનેડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. આ ઘટનાના માંડ બે દિવસ પહેલા જ કેનેડાના મોન્ટ્રિયલ (Montreal) ના એક યહૂદી વિસ્તારમાં પણ ભયાનક ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક પોલીસ અધિકારી અને એક સામાન્ય નાગરિક સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. મોન્ટ્રિયલ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર પાસે લાંબી રેન્જનું હથિયાર હતું અને જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો હતો. બ્રામ્પટનની આ તાજી ઘટનાએ હવે કેનેડામાં રહેતા ભારતીય મૂળના બિઝનેસમેનો અને વિદ્યાર્થીઓમાં ભારે ભયનો માહોલ પેદા કરી દીધો છે.

આ પણ વાંચો:Earthquake : 21મી સદીના 10 સૌથી ભયાનક ભૂકંપ, જેણે પલભરમાં દુનિયા ધ્રુજાવી દીધી અને લાખો જિંદગીઓ હોમી દીધી..!

  • Follow us on: