વેનેઝુએલાના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા બે ઉપરાઉપરી પ્રચંડ ભૂકંપે સમગ્ર દેશમાં જે વિનાશ વેર્યો છે. આજે એ રાખવું જરુરી છે કે માનવજાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી ગણાતો માણસ પણ લાચાર બની જાય છે. 21મી સદીની શરૂઆતથી અત્યાર સુધી વૈજ્ઞાનિક પ્રગતિની સાથે સાથે આપણે કેટલીક એવી ભયાનક કુદરતી આફતો પણ જોઈ છે, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. પૃથ્વીના પેટાળમાં થતી પ્લેટોની હલચલ જ્યારે વિકરાળ ભૂકંપનું સ્વરૂપ લે છે, ત્યારે મિનિટો તો શું, સેકન્ડોમાં મોટા મોટા શહેરો સ્મશાનમાં ફેરવાઈ જાય છે.
ગુજરાતના ભુજમાં આવેલો એ ભયાનક ભૂકંપ પણ સામેલ
આ અહેવાલમાં આપણે વિગતવાર જાણીશું 21મી સદીના એવા 10 સૌથી વિનાશક અને ઘાતક ભૂકંપો વિશે, જેમણે માત્ર તીવ્રતાના રેકોર્ડ જ નથી તોડ્યા, પરંતુ લાખો પરિવારોને પળવારમાં વેરવિખેર કરી નાખ્યા. આ યાદીમાં આપણા ગુજરાતના ભુજમાં આવેલો એ ભયાનક ભૂકંપ પણ સામેલ છે, જેની યાદ માત્રથી આજે પણ ધ્રુજારી છૂટી જાય છે.
હિંદ મહાસાગર ભૂકંપ અને સુનામી (સુમાત્રા, ઇન્ડોનેશિયા) –2004
તારીખ: 26 ડિસેમ્બર, 2004
તીવ્રતા: 9.1 થી 9.3
અંદાજિત મૃત્યુઆંક: 227898
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુનો ભૂકંપ
21મી સદીની સૌથી ભયાનક તબાહી 2004ના ક્રિસમસના બીજા જ દિવસે ત્રાટકી હતી. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ નજીક દરિયાના પેટાળમાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.1 થી 9.3 ની આસપાસ હતી, જે ઇતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક હતો. આ પ્રચંડ ભૂકંપના કારણે સમુદ્રમાં રાક્ષસી કદના મોજા ઉછળ્યા અને તેણે ભયંકર સુનામીનું સ્વરૂપ લીધું. ભારત, શ્રીલંકા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા સહિત 14 દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને આ સુનામી ગળી ગઈ. આ આફતમાં અંદાજે 2.27 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પોર્ટ-ઓ-પ્રિન્સ, હૈતી – 2010
તારીખ: 12 જાન્યુઆરી, 2010
તીવ્રતા: 7
અંદાજિત મૃત્યુઆંક: 160000 થી 316000૩
કેરેબિયન દેશ હૈતીમાં 2010માં આવેલો ભૂકંપ માનવ ઇતિહાસની સૌથી મોટી સદીની દુર્ઘટનાઓમાંથી એક છે. ભલે તેની તીવ્રતા 7 હતી, પરંતુ તેનું કેન્દ્રબિંદુ પાટનગર પોર્ટ-ઓ-પ્રિન્સની સાવ નજીક અને જમીનથી ઘણું ઉપર હતું. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નબળા અને બિન-ઇજનેરી બાંધકામોના કારણે ગણતરીની સેકન્ડોમાં હજારો ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. સત્તાવાર અને બિનસત્તાવાર આંકડાઓ મુજબ, આ ભૂકંપમાં 1.6 લાખથી લઈને 3 લાખથી વધુ લોકો કાટમાળ નીચે દબાઈને કાળનો કોળિયો બની ગયા હતા.
સિચુઆન, ચીન – 2008
તારીખ: 12 મે, 2028
તીવ્રતા: 7.9
અંદાજિત મૃત્યુઆંક: 87587
ચીનના સિચુઆન પ્રાંતમાં 2008માં આવેલા ભૂકંપે આખા ચીનને રડાવી દીધું હતું. પર્વતીય વિસ્તાર હોવાના કારણે આ 7.9 ની તીવ્રતાના ભૂકંપે ડબલ તબાહી મચાવી. એક તરફ ઇમારતો ધરાશાયી થઈ અને બીજી તરફ પહાડો પરથી વિશાળ ભેખડોધસી પડી. આ દુર્ઘટનાની સૌથી મોટી કરૂણતા એ હતી કે સેંકડો શાળાઓ તૂટી પડી, જેમાં હજારો માસૂમ બાળકોના મોત થયા. સરકારી આંકડા મુજબ 87000 થી વધુ લોકો આ મહાકાળમાં હોમાઈ ગયા હતા.

કાશ્મીર, પાકિસ્તાન / ભારત – 2005
તારીખ: 8 ઓક્ટોબર, 2005
તીવ્રતા: 7.6
અંદાજિત મૃત્યુઆંક: 87351
હિમાલયની પર્વતમાળાઓમાં આવેલો આ ભૂકંપ ભારત અને પાકિસ્તાન બંને કાશ્મીર સરહદે ખૂબ જ ઘાતક સાબિત થયો હતો. 7.6 ની તીવ્રતાના આ આંચકાએ પહાડો પર વસેલા સેંકડો દૂરના ગામડાઓનું નામોનિશાન મિટાવી દીધું. પહાડી રસ્તાઓ તૂટી જવાના કારણે અને ભયાનક ભૂસ્ખલનને લીધે શિયાળાની કડકડતી ઠંડીમાં બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી, જેના લીધે ઈજાગ્રસ્તો અને સમયસર મદદ ન મળવાને કારણે મૃત્યુઆંક 87000 ને પાર પહોંચી ગયો હતો.
કહરામનમરસ, તુર્કી અને સીરિયા – 2023
તારીખ: 6 ફેબ્રુઆરી, 2023
તીવ્રતા: ૭.૮ અને ૭.૭
અંદાજિત મૃત્યુઆંક: ~620123
તાજેતરના વર્ષોની સૌથી મોટી આપત્તિ એટલે 2023માં તુર્કી (તુર્કિયે) અને સીરિયાની સરહદે આવેલો જોડિયા ભૂકંપ. અહીં એક પછી એક 7.8 અને 7.7 ની તીવ્રતાના બે શક્તિશાળી આંચકા આવ્યા. આ આંચકા એટલા પ્રચંડ હતા કે આધુનિક ગણાતી ગગનચુંબી ઇમારતો પણ એક માળ પર બીજો માળ સીધો બેસી જવો થઈ ગઈ. આ કરૂણાંતિકામાં બંને દેશોના મળીને 62 હજાર થી વધુ લોકો સવારની મીઠી ઊંઘમાં જ કાયમી ઊંઘમાં પોઢી ગયા.
બામ, ઇરાન – 2003
તારીખ: 26 ડિસેમ્બર, 2003
તીવ્રતા: 6.6
અંદાજિત મૃત્યુઆંક: 26271 થી 34 હજાર
ઇરાનના ઐતિહાસિક અને પ્રાચીન શહેર બામમાં 2003 ની વહેલી સવારે આવેલો આ ભૂકંપ ઘણો વિનાશક હતો. આ શહેર તેની માટીની ઈંટો થી બનેલી પરંપરાગત અને પ્રાચીન ઇમારતો માટે જાણીતું હતું. પરંતુ 6.6 ની તીવ્રતાના આંચકા સામે આ માટીના મકાનો ટકી શક્યા નહીં અને સવારના પાંચ વાગ્યે જ્યારે લોકો ઊંઘતા હતા ત્યારે આખું શહેર કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું, જેમાં અંદાજે 26 થી 34 હજાર લોકોના મોત થયા હતા.
ભુજ (કચ્છ, ગુજરાત), ભારત – 2002
તારીખ: 26 જાન્યુઆરી, 2001
તીવ્રતા: 7.7
અંદાજિત મૃત્યુઆંક: 20085
ગુજરાતીઓ માટે આ માત્ર એક ભૂકંપ નથી, પણ એક ક્યારેય ન ભૂલાય તેવો કાળો જખમ છે. 26 જાન્યુઆરી, 2001ના રોજ જ્યારે આખો દેશ પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો હતો, સવારના 8.46 કલાકે કચ્છના ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં પૃથ્વી ધ્રુજી ઉઠી. 7.7 ની તીવ્રતાના આ ભૂકંપે સમગ્ર કચ્છ, અંજાર, ભચાઉ, રાપર અને અમદાવાદ સુધી ભારે તબાહી મચાવી.મોટા પાયા પર ચણતરકામવાળા મકાનો પળવારમાં જમીનદોસ્ત થઈ ગયા. સત્તાવાર આંકડાઓ મુજબ 20085 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા હતા. પરંતુ કચ્છી પ્રજાની ખુમારી અને ગુજરાતના અડગ મનોબળે આજે કચ્છને ફરી બેઠું કરીને ઉદ્યોગોનું હબ બનાવી દીધું છે.
તોહોકુ, જાપાન – 2011
તારીખ: 11 માર્ચ, 2011
તીવ્રતા: 9.0થી 9.1
અંદાજિત મૃત્યુઆંક: ~ 19 હજાર
ટેકનોલોજી અને ભૂકંપ પ્રતિરોધક ઇમારતો બનાવવામાં જાપાન દુનિયામાં મોખરે છે, પરંતુ 2011માં કુદરતે જાપાનની પણ કસોટી કરી લીધી. સમુદ્રમાં આવેલા 9 ની તીવ્રતાના આ ભૂકંપે જાપાનના દરિયાકાંઠે પ્રચંડ સુનામી લાવી દીધી. આ સુનામીના કારણે માત્ર 19 હજાર થી વધુ લોકોના મોત જ ન થયા, પરંતુ ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું, જેના લીધે પરમાણુ કટોકટી સર્જાઈ હતી.
ગોરખા, નેપાળ – 2015
તારીખ: 25 એપ્રિલ, 2015
તીવ્રતા: 7.8
અંદાજિત મૃત્યુઆંક: 8964
આપણા પાડોશી દેશ નેપાળમાં 2015માં આવેલા 7.8 ની તીવ્રતાના ભૂકંપે ભારે આક્રોશ મચાવ્યો હતો. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં સદીઓ જૂની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને પ્રાચીન મંદિરો પળવારમાં તૂટી પડ્યા. આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે માઉન્ટ એવરેસ્ટ પર પણ મોટો હિમપ્રપાત થયો, જેમાં કેટલાય પર્વતારોહકોના મોત થયા હતા. આ આપત્તિમાં કુલ 9 હજારની નજીક લોકો માર્યા ગયા હતા.
યોગ્યાકાર્તા, ઇન્ડોનેશિયા – 2006
તારીખ: 26 મે, 2006
તીવ્રતા: 6.4
અંદાજિત મૃત્યુઆંક: 5782
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલા યોગ્યાકાર્તા શહેરમાં 2006માં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભલે આ યાદીમાં તેની તીવ્રતા ઓછી દેખાતી હોય, પરંતુ તેનું કેન્દ્રબિંદુ જમીનની ખૂબ જ નજીક હોવાના કારણે અને વસ્તી ગીચ હોવાથી ત્યાં ખૂબ મોટા પાયે નુકસાન થયું હતું. અંદાજે 5700 થી વધુ લોકોએ આ આફતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અને લાખો ઘરો ક્ષતિગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો---- Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ