ભારતમાંથી દર વર્ષે હજારો યુવાનો અને પરિવારો ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે કેનેડા અને અમેરિકા જેવા વિકસિત દેશો તરફ પ્રયાણ કરે છે. વિદેશમાં કમાણી તો સારી થાય છે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ એટલું જ ઊંચું હોય છે. સામાન્ય રીતે ભારતમાં રહેતા લોકોના મનમાં હંમેશાં એ જિજ્ઞાસા હોય છે કે વિદેશમાં રહેતો વ્યક્તિ દર મહિને કેટલું કમાતો હશે અને કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ જીવતો હશે? હાલમાં સોશિયલ મીડિયા પર કેનેડાના લિવિંગ કોસ્ટ (રહેવાના ખર્ચ) અંગે એક રસપ્રદ ચર્ચા શરૂ થઈ છે.


હકીકતમાં, કેનેડાના સૌથી મોટા અને મોંઘા શહેરોમાંના એક એવા ટોરોન્ટોના એક સ્થાનિક રહેવાસીએ તેના દર મહિનાના ખર્ચનું આખું લિસ્ટ (બ્રેકડાઉન) ઓનલાઈન શેર કર્યું છે. આ પોસ્ટ વાયરલ થતાં જ લોકો કેનેડાની મોંઘવારી વિશે વિચારતા થઈ ગયા છે. આ વ્યક્તિ દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ, કેનેડાના કોઈ મુખ્ય શહેરમાં સામાન્ય જીવન જીવવા માટે પણ દર મહિને અંદાજે $4,300 (આશરે ૨.૮૭ લાખ રૂપિયા) નો મોટો ખર્ચ થાય છે. આ ખર્ચમાં ભાડું, ગ્રોસરી, ટ્રાન્સપોર્ટ, ફોન બિલ, જીમ, બહારનું ખાવા-પીવાનું અને મનોરંજન જેવી તમામ સુવિધાઓ સામેલ છે.

સૌથી મોટો ધુમાડો ક્યાં થાય છે?

આ લિસ્ટમાં જે બાબત સૌથી વધુ ચોંકાવનારી છે તે છે ત્યાંનું ઘરનું ભાડું (Rent). વ્યક્તિના કુલ ખર્ચનો સૌથી મોટો હિસ્સો માત્ર ભાડું ચૂકવવામાં જ વપરાઈ જાય છે. આ બ્રેકડાઉન અનુસાર, ટોરોન્ટોમાં એક મહિનાનું ભાડું આશરે $2,500 (અંદાજે ૧.૬૭ લાખ રૂપિયા) થાય છે. ભાડા સિવાયના અન્ય ખર્ચાઓ પર નજર કરીએ તો

ગ્રોસરી (ઘરની સામગ્રી): $650 (આશરે ૪૩,૪૫૩ રૂપિયા)

રેસ્ટોરન્ટ અને બહારનું જમવું: $550 (આશરે ૩૬,૭૬૭ રૂપિયા)

કોફી: $250 (આશરે ૧૬,૭૧૨ રૂપિયા)

ફોન બિલ: $158 (આશરે ૧૦,૫૬૨ રૂપિયા)

Uber Eats (ઓનલાઈન ફૂડ): $65 (આશરે ૪,૩૪૫ રૂપિયા)

જીમ: $49 (આશરે ૩,૨૭૫ રૂપિયા)

અન્ય પ્રવૃત્તિઓ (ક્લાઈમ્બિંગ વગેરે): $222 (આશરે ૧૪,૮૪૦ રૂપિયા)

સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા

કેનેડામાં હાલમાં હાઉસિંગ કટોકટી અને સતત વધતી મોંઘવારી એક મોટી ચિંતાનો વિષય છે, તેવામાં આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે પોતપોતાના મંતવ્યો આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે વ્યક્તિની લાઈફસ્ટાઈલ અને તે કયા શહેરમાં રહે છે તેના આધારે આ આંકડો બદલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ માત્ર જરૂરી ખર્ચ જેવા કે ભાડું, કરિયાણું, ટ્રાન્સપોર્ટ અને ફોન બિલ જ ગણે, તો પણ કેનેડામાં માસિક ખર્ચ $3,300 થી $3,500 (આશરે ૨.૨૦ લાખથી ૨.૩૩ લાખ રૂપિયા) સુધી પહોંચી જાય છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડામાં ડોલરમાં કમાણી જેટલી આકર્ષક લાગે છે, ત્યાં સરવાળે જીવવું એટલું જ મોંઘું પણ છે.

આ પણ વાંચો:Make InIndia:દુનિયાની નજર ભારતના બ્રહ્મોસ પર! ખરીદવા માટે 14 દેશો લાઈનમાં


  • Follow us on: