અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે રાજકીય વાકયુદ્ધ વધુ તેજ બન્યું છે. તાજેતરમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મેલોની પર કથિત રીતે ખોટી વાતો ફેલાવવાનો અને પોતાની છબી સુધારવા માટે 'કહાણી ઘડવાનો' આરોપ લગાવ્યો હતો.
ટ્રમ્પે કહ્યું 'મેલોનીએ ફોટો પડાવવા વારંવાર વિનંતી કરી'
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન મેલોનીએ તેમની સાથે ફોટો પડાવવા માટે વારંવાર વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ઈટાલીમાં પોતાની લોકપ્રિયતા ઘટી રહી હોવાથી મેલોની આવા પ્રયાસો કરી રહી છે. ટ્રમ્પે ઈરાન મુદ્દે અમેરિકા સાથે સહયોગ ન આપવા બદલ પણ મેલોનીની ટીકા કરી હતી.
મેલોનીએ આપ્યો વળતો આકરો જવાબ
જવાબમાં જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પના તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે અમેરિકાના સહયોગી દેશો સામે આ પ્રકારના બિનજરૂરી અને બિનઆમંત્રિત હુમલા યોગ્ય નથી. મેલોનીએ સ્પષ્ટ કહ્યું કે તેમની લોકપ્રિયતા કોઈપણ વિદેશી નેતા સાથેના સંબંધો પર નહીં, પરંતુ ઈટાલીના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની તેમની ક્ષમતા પર આધારિત છે.
રાજકીય તણાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય
મેલોનીએ વધુમાં જણાવ્યું કે ઈટાલી એક સ્વતંત્ર અને સર્વભૌમ દેશ છે અને અમેરિકન સૈન્ય મથકો સંબંધિત તમામ નિર્ણયો કરાર મુજબ જ લેવામાં આવે છે. તેમણે ટ્રમ્પને પોતાની લોકપ્રિયતા પર ધ્યાન આપવાની સલાહ પણ આપી. ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે ઈટાલીએ ઈરાન સંબંધિત કાર્યવાહી માટે અમેરિકાને પોતાની લશ્કરી સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નહોતી. જોકે મેલોનીએ આ દાવાઓને સંપૂર્ણપણે મનગમતા અને તથ્યવિહિન ગણાવ્યા હતા. આ વિવાદ બાદ બંને નેતાઓ વચ્ચેનો રાજકીય તણાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.













