વૈશ્વિક સ્તરે મુસાફરી કરવાની સરળતા અને પાસપોર્ટની તાકાત દર્શાવતા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષના અહેવાલે ભારતીય પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. ભારતીય પાસપોર્ટના ક્રમાંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જે વિશ્વના મજબૂત પાસપોર્ટની યાદીમાં ઉપર આવ્યો છે.


85મા સ્થાનેથી સીધું 75મું સ્થાન

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘણી વધઘટ જોવા મળી હતી. વર્ષ 2024 અને 2025 દરમિયાન ભારતનું સ્થાન નીચે સરકીને 85મા ક્રમે પહોંચી ગયું હતું, જેના કારણે ભારતીયો માટે વિઝા પ્રક્રિયા થોડી જટિલ બની હતી. જોકે, 2026 માં ભારતે જોરદાર વાપસી કરી છે. 10 સ્થાનના ઉછાળા સાથે ભારત હવે 75મા ક્રમે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીનું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2006માં હતું, જ્યારે ભારત 71મા ક્રમે હતું. વર્તમાન સુધારો ભારતને તેની જૂની મજબૂતી તરફ પાછું લઈ જઈ રહ્યો છે.

વિઝા વગર 56 દેશોની મુસાફરીની છૂટ

ભારતીય પાસપોર્ટ શક્તિશાળી થવાનો સીધો ફાયદો સામાન્ય નાગરિકોને મુસાફરીમાં મળશે. નવીનતમ ડેટા મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 56 દેશોમાં પૂર્વ વિઝા મેળવવાની ઝંઝટ વિના પ્રવાસ કરી શકશે. આ દેશોમાં કાં તો વિઝા-મુક્ત પ્રવેશ (Visa-Free) મળશે અથવા તો એરપોર્ટ પર પહોંચતા જ 'વિઝા-ઓન-અરાઇવલ'ની સુવિધા આપવામાં આવશે. આ ફેરફારથી પ્રવાસ અને બિઝનેસ માટે વિદેશ જનારા ભારતીયોનો સમય અને ખર્ચ બંને બચશે.

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ: કોણ છે ટોપ પર?

વૈશ્વિક સ્તરે હંમેશની જેમ એશિયન અને યુરોપિયન દેશોનો દબદબો રહ્યો છે.

નંબર 1 - સિંગાપોર: 192 દેશોમાં વિઝા-મુક્ત એન્ટ્રી સાથે સિંગાપોર દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવે છે.

નંબર 2 - જાપાન અને દક્ષિણ કોરિયા: આ બંને દેશો સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જેમના નાગરિકો 187 દેશોમાં સરળતાથી જઈ શકે છે.

નંબર 3 - સ્વીડન અને UAE: સંયુક્ત આરબ અમીરાતે પણ પ્રભાવશાળી પ્રગતિ કરી છે અને તે સ્વીડન સાથે ત્રીજા સ્થાને (186 દેશોની એક્સેસ) છે.

ટોપ 5 માં યુરોપિયન દેશો

ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન જેવા દેશો ચોથા ક્રમે છે, જ્યારે પોર્ટુગલ અને ગ્રીસ પાંચમા ક્રમે છે.

Source: Henley Passport Index Report


  • Follow us on: