બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયનો ગુસ્સો ફરી એકવાર સાતમા આસમાને પહોંચ્યો છે. દેશના ગાઈબાંધા જિલ્લાના પલાશબાડીમાં એક સરઘસ દરમિયાન ભગવાન રામની તસવીર પર જૂતા ફેંકવાની શરમજનક ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર દેશમાં તણાવ ફેલાઈ ગયો છે. આટલું જ નહીં, ત્યાં આવેલા રાધા-ગોબિંદ મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિને પણ તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવી છે. આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના વિરોધમાં રાજધાની ઢાકા સહિત દેશના અનેક ભાગોમાં હજારોની સંખ્યામાં હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.
શુક્રવાર રાતથી શરૂ થયેલો આ આક્રોશ શનિવાર અને રવિવારે વધુ ઉગ્ર બન્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ ગંભીર મામલે સ્થાનિક પ્રશાસનનું વલણ અત્યંત સુસ્ત રહ્યું છે. તેમણે સરકાર પર અલ્પસંખ્યકોની સુરક્ષા કરવામાં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. હિન્દુ સમુદાયે માંગ કરી છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરી તેમને કડક કાનૂની સજા આપવામાં આવે.
હિન્દુ સંગઠનોએ સંભાળી કમાન, આપ્યું અલ્ટીમેટમ
બાંગ્લાદેશના અગ્રણી અખબાર 'ડેલી સ્ટાર'ના અહેવાલ મુજબ, આ વિશાળ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ 'બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદ' દ્વારા કરવામાં આવ્યું હતું, જેને 'બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી ઓઈક્યા પરિષદ'નું પણ પૂરું સમર્થન મળ્યું છે. રાજધાની ઢાકાના નેશનલ પ્રેસ ક્લબ સામે માનવ સાંકળ અને રેલીઓ કાઢીને હિન્દુ નેતાઓએ આ ઘટનાને ધાર્મિક લાગણીઓ પર સીધો હુમલો ગણાવ્યો છે.
પ્રદર્શનકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં રહેતા મુસ્લિમ, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને આદિવાસી સમુદાયો પાસે દેશના નાગરિક તરીકે સમાન અધિકારો છે. હિન્દુ સંગઠનોના નેતાઓએ મંચ પરથી બે ટૂંક શબ્દોમાં ચેતવણી આપી છે કે, આ કોઈ એકલદોકલ ઘટના નથી પરંતુ લઘુમતીઓને નિશાન બનાવવાની એક પેટર્ન બની ગઈ છે. જો પ્રશાસન આગામી દિવસોમાં દોષિતો પર ત્વરિત એક્શન નહીં લે, તો દેશભરમાં આનાથી પણ મોટું અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો:Indian Navyને મળ્યા 3 નવા જહાજો, PM મોદીએ કોલકાતાથી INS દૂનાગીરી, સંશોધક અને અગ્રય દેશને સમર્પિત કર્યા