અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત નોબેલ પુરસ્કાર પ્રત્યે પોતાનો રસ દર્શાવી ચૂક્યા છે. તેઓ ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે તેમણે ભારત પાકિસ્તાન સહિત ઘણા દેશો વચ્ચેના યુદ્ધ અટકાવ્યા છે, એટલે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવવો જોઈએ. આ મામલે ટ્રમ્પને તેમની પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીની પૂર્વ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે જો ટ્રમ્પ કિવ છોડ્યા વિના રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવે, તો તેઓ તેમને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરશે.
તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરીશ
હિલેરી ક્લિન્ટને પોડકાસ્ટમાં કહ્યું કે, જો તેઓ આ ભયાનક યુદ્ધ ખતમ કરી શકે છે, પુટિન સામે ઊભા રહી શકે છે — જે આપણે પહેલાં જોયું નથી — તો હું તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરીશ.
અલાસ્કામાં મળ્યા પુટિન અને ટ્રમ્પ
15 ઓગષ્ટે પુટિન અને ટ્રમ્પ વચ્ચેની બેઠક એન્કોરેજ સ્થિત જ્વાઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચાર્ડસન ખાતે યોજાઈ હતી. બેઠકના થોડા કલાકો પહેલાં ટ્રમ્પે એયર ફોર્સ વન પર જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ મુલાકાત "ખૂબ સારી" રહેશે, પરંતુ જો એવું નહીં થયું તો તેઓ ઝડપથી ઘરે પાછા ફરશે. ટ્રમ્પે તેમની પ્રાથમિકતા સ્પષ્ટ કરતાં કહ્યું કે, હું ઝડપથી યુદ્ધવિરામ જોવા માંગું છું. હું આ હત્યાને રોકવા માટે અહીં છું. જોકે, બંને નેતાઓ વચ્ચે ત્રણ કલાક ચાલી બેઠકે યુદ્ધવિરામ માટે કોઈ ઔપચારિક સમજૂતી થઇ ન હતી.ઘણા મુદ્દાઓ પર બંને નેતાઓની વચ્ચે સહમતિ બની ન હતી.
જો યુદ્ધવિરામ થયો તો ટ્રમ્પનું મહત્વ વધી જશે!
ટ્રમ્પ અને ક્લિન્ટન વચ્ચેની જૂની રાજકીય પ્રતિસ્પર્ધા દરેક જાણે છે. 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે ક્લિન્ટનને હરાવ્યા હતા. ચૂંટણી અભિયાન દરમિયાન, ક્લિન્ટને ટ્રમ્પ પર પુતિન જેવા તાનાશાહોની પ્રશંસા કરવાનો અને અમેરિકાના સહયોગીઓને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. આ વખતે તેમનું નિવેદન રાજકીય મતભેદો વચ્ચે પણ સંભવિત સહમતિનું નિર્દેશ કરે છે. જો ટ્રમ્પ શાંતિ સ્થાપી શકે છે તો તેમના કટ્ટર વિરોધી પણ તેમને સન્માન આપવા તૈયાર છે.