મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતે પોતાની ઊર્જા નીતિ અંગે સ્પષ્ટ અને મજબૂત વલણ દર્શાવ્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધતી અશાંતિ અને વૈશ્વિક તેલ સપ્લાય અંગે ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતનો ઊર્જા પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે.


 હુમલાઓ બાદ ગલ્ફ વિસ્તારમાં તણાવ

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ ગલ્ફ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ પરિસ્થિતિએ વિશ્વભરમાં તેલ પુરવઠા અને શિપિંગ રૂટ અંગે ચિંતાઓ વધારી છે. તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશ પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ ઊર્જા ખરીદીનો નિર્ણય લે છે.

ભારતની ઊર્જા સપ્લાય ચેઇન મજબૂત

કેન્દ્ર સરકારના નિવેદન મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ હોવા છતાં ભારતની ઊર્જા સપ્લાય ચેઇન મજબૂત અને સ્થિર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પોતાના ક્રૂડ ઓઇલ સપ્લાયને ઘણી હદ સુધી વૈવિધ્યસભર બનાવ્યો છે. અગાઉ ભારત લગભગ 27 દેશોમાંથી તેલ ખરીદતું હતું, પરંતુ હવે તે સંખ્યા વધીને લગભગ 40 દેશો સુધી પહોંચી ગઈ છે. આ કારણે કોઈ એક વિસ્તારમાં તણાવ થાય તો પણ ભારત પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ રહે છે.

ભારત હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે

સરકારે વધુમાં જણાવ્યું કે ભારત હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે છે. દેશ જ્યાંથી સૌથી સસ્તું અને ગુણવત્તાયુક્ત તેલ મળે છે ત્યાંથી ખરીદી કરવામાં આવે છે. આ માટે ભારતને કોઈ અન્ય દેશની મંજૂરી અથવા પરવાનગી લેવાની જરૂર નથી. તાજેતરમાં અમેરિકા દ્વારા મળેલી કામચલાઉ છૂટને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે રશિયાથી તેલ ખરીદવાનો નિર્ણય કોઈ દેશની મંજૂરી પર આધારિત નથી.

રશિયા પાસેથી સતત તેલ આયાત

સરકારના જણાવ્યા મુજબ, ભારત ફેબ્રુઆરી 2026 સુધી પણ રશિયા પાસેથી સતત તેલ આયાત કરતું રહ્યું છે. હાલમાં રશિયા ભારત માટે સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર બની ગયો છે.2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. છતાં ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. ખાસ કરીને ડિસ્કાઉન્ટેડ ભાવ અને ભારતીય રિફાઇનરીઓની માંગને કારણે રશિયન તેલની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

હાલમાં 250 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ

સરકારના આંકડા મુજબ, ભારતમાં હાલમાં 250 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો જથ્થો ઉપલબ્ધ છે. આ જથ્થો આશરે 7 થી 8 અઠવાડિયાના વપરાશ માટે પૂરતો છે, જે ભારતને કોઈ પણ વૈશ્વિક અસ્થિરતા દરમિયાન મહત્વપૂર્ણ સુરક્ષા પૂરી પાડે છે.

કુલ રિફાઇનિંગ ક્ષમતા વર્ષમાં લગભગ 258 મિલિયન મેટ્રિક

આ ઉપરાંત, ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતા વર્ષમાં લગભગ 258 મિલિયન મેટ્રિક ટન છે. આ ક્ષમતા દેશની વર્તમાન આંતરિક માંગ કરતાં પણ વધુ છે. એટલે કે ભારત માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં નિકાસ પણ કરી શકે છે. વિશ્વ રાજનીતિમાં વધતા તણાવ અને ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતનું આ વલણ સ્પષ્ટ કરે છે કે દેશ પોતાની ઊર્જા સુરક્ષા માટે સ્વતંત્ર અને વ્યાવહારિક નીતિ અપનાવી રહ્યો છે.

આ પણ વાંચો : Israel Iran War : શું ભારતના ઓપરેશન સિંદૂરથી શીખીને અમેરિકા-ઇઝરાયલ ઇરાન પર હુમલા કરી રહ્યા છે?


  • Follow us on: