નેપાળમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે કાઠમંડુના તરિભુવન એરપોર્ટ પર લગભગ 400 ભારતીયો ફસાઈ ગયા છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો છે. ઘણા લોકોએ તેમની પરિસ્થિતિ વર્ણવતા એક વીડિયો સંદેશ મોકલ્યો છે. ફસાયેલા લોકોનું કહેવું છે કે ઈમિગ્રેશન પૂર્ણ કર્યા પછી પણ એરલાઈન્સ તેમને એરપોર્ટ પર છોડીને ભાગી ગઈ અને એરલાઈન સ્ટાફ પણ ભાગી ગયો છે, મુસાફરોને મદદ કરવા માટે કોઈ હાજર નથી. એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોમાં ભયનો માહોલ છે, કારણ કે બહાર અરાજકતા ફેલાયેલી છે.


ફ્લાઈટ સ્ટાફ અધવચ્ચે છોડીને ભાગી ગયો

મુસાફરોએ જણાવ્યું હતું કે ઈમિગ્રેશનમાંથી પસાર થયા પછી પણ ફ્લાઈટ સ્ટાફે તેમને પાછા જવાનું કહ્યું કારણ કે ફ્લાઇટ રદ થઈ ગઈ હતી. પરંતુ કોઈએ તેમને ક્યાં જવું તે કહ્યું નહીં. જ્યારે મુસાફરોએ બહારની બગડતી પરિસ્થિતિને કારણે એરપોર્ટ છોડવાનો ઈનકાર કર્યો, ત્યારે સ્ટાફ મુસાફરોને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા. મુસાફરો કહે છે કે તેમને મદદ કરવા માટે ત્યાં કોઈ નથી, તેઓ ક્યાં જાય. એરપોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હંગામો થઈ રહ્યો છે. ભારતીય દૂતાવાસે ઈમરજન્સી નંબરો જાહેર કર્યા હોવા છતાં એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને ભારત લાવવા માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

નેપાળની પરિસ્થિતિ પર MEAનું નિવેદન

નેપાળની પરિસ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે ગઈકાલથી નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને ઘણા યુવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના મૃતકોના પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ." તે જ સમયે, ભારતે આશા વ્યક્ત કરી છે કે નેપાળમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. આ ઉપરાંત નેપાળમાં ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા પગલાં અને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

  • Follow us on: