જે જનરેશન ને આટલી આધુનિક અને સ્માર્ટ માનવામાં આવે છે એ જનરેશન આટલી ઉગ્ર કેવી રીતે થઈ એ ખરેખર ચર્ચાનો વિષય છે. નેપાળમાં Gen-Zના વિરોધ બાદ રાજકીય નિષ્ણાતો દ્વારા આ બાબતથી ઘણા તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. એક પક્ષ ચોક્કસપણે માને છે કે આ પાછળ સોશિયલ મીડિયા પ્રતિબંધ સિવાય અન્ય એક કારણ છે જે છે સરકારી ભ્રષ્ટાચાર.
4 સપ્ટેમ્બરથી લાગી ચિનગારી
નેપાળના ઇતિહાસમાં આ દિવસ કાયમને માટે કાળા અક્ષરોમાં નોંધાઈ જશે. 4 સપ્ટેમ્બર 2025ના રોજ, નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, ટ્વિટર અને લિંક્ડઇનને સારકરી ડોક્યુમેન્ટમાં કાયદેસર રજિસ્ટર્ડ ન થવા ના કારણોસર બ્લોક કરી દીધા હતા. જનતાના વિચાર અનએ એમની મરજી જાણ્યા વગર અચાનક લેવાયેલો આ નિર્ણય સરકારને ખૂબ ભારે પડ્યો. યુવાનોનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્રતિબંધ નહિ પણ સરકારની સરમુખત્યારશાહીના લીધે આ આગ લાગી છે.
યુવાનો આટલા ગુસ્સે કેમ થયા?
નેપાળની સરકાર કહી રહી છે કે નેપાળમાં ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઇમ પર નિયંત્રણ લાવવા માટે અને નેપાળની જનતાના હિત માટે સરકારે આ નિર્ણય લીધો છે. હવે સવાલ એ થાય કે જનતાના સારા ભવિષ્ય માટે લેવાયેલ નિર્ણય જનતાને ગુસ્સે કેમ કરી શકે? તો નિષ્ણાતોના મત મુજબ સોશિયલ મીડિયા નેપાળના યુવાનો માટે વિચારો વ્યક્ત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ હતું. વિરોધકર્તાઓ કહે છે કે સરકારની નિષ્ફળતા આ બાબતે જવાબદાર છે. નેપાળના સરકારી બાબુઓના કારણે સિસ્ટમમાં પ્રવેશેલ ભ્રષ્ટાચાર આ વિરોધનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
શું સરકારની વિચારસરણી યોગ્ય હતી?
નેપાળ સરકારના કહેવા મુજબ આ પગલું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતોના મત મુજબ સરકારનું આ પગલું સામાન્ય જાનતા માટે સરમુખત્યારશાહી વલણોથી ભરેલું હતું. યુવાનોનો આરોપ છે કે સરકાર તરફથી આ નિર્ણય લેતા પહેલા જનતા સાથે કોઈ પ્રકારનો વાર્તાલાપ કરવામાં આવ્યો ન હતો કે તેમનો આ બાબતે મંતવ્ય પણ પૂછવામાં આવ્યો ન હતો. વિરોધકર્તાઓ કહે છે કે સરકારની આ વિચારસરણી યુવાનોની દ્રષ્ટિએ બિલકુલ આયોગ્ય છે.