મધ્ય પૂર્વમાં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે સર્જાયેલી ઉર્જા કટોકટીને પહોંચી વળવા માટે મોદી સરકાર એક અત્યંત મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન પર કામ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, પર્સિયન ગલ્ફમાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓથી દેશને બચાવવા માટે ભારત હવે ક્રૂડ ઓઇલ, એલપીજી (LPG) અને એલએનજી (LNG) માટે એક વિશાળ વ્યૂહાત્મક અનામત (Strategic Reserve) ક્ષમતા ઊભી કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના લીધે દેશની મહિનાની સ્થાનિક માંગને પૂરી કરી શકશે.


ઇરાન યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટર પ્લાન

આ યોજનાને વાસ્તવિક હકીકત બનાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ દેશમાં સંભવિત સ્ટોરેજ સ્થાનો, ઓપરેટિંગ મોડેલો અને ઓવરગ્રાઉન્ડ (જમીનની ઉપર) તેમજ અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) સ્ટોરેજ ક્ષમતાના વિભાજન જેવી ટેકનિકલ વિગતોનો ઊંડો અભ્યાસ કરી રહી છે. સરકારે આગામી ૫ વર્ષમાં દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર ભૂગર્ભ ખડક ગુફાઓ (Underground Rock Caverns) દ્વારા સંગ્રહ ક્ષમતા વર્તમાન કરતા બમણીથી વધુ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્લાન હેઠળ અંતિમ ટાર્ગેટ ઓછામાં ઓછી ૧૨૦ મિલિયન બેરલની તેલ સંગ્રહ ક્ષમતા હાંસલ કરવાનો છે.

ભારત પાસે હાલમાં કેટલો સ્ટોક છે?

ક્રૂડ ઓઇલ: ભારતમાં અત્યારે લગભગ ૩૯ મિલિયન બેરલ વ્યૂહાત્મક ક્રૂડ ઓઇલનો ભંડાર ભૂગર્ભ ગુફાઓમાં છે, જે માત્ર ૮ દિવસની આયાત બરાબર છે. જોકે, રિફાઇનરીઓ અને રિટેલરો પાસે રહેલી ઇન્વેન્ટરીને ભેગી કરીએ તો ૭૦ દિવસથી વધુની તેલની માંગ પૂરી થઈ શકે છે. અહેવાલ મુજબ, ભારતની લાંબા ગાળાની LPG સંગ્રહ ક્ષમતા માત્ર ૧.૪ લાખ ટન છે, જે દેશના માત્ર ૨ દિવસના વપરાશ જેટલી જ છે.દેશમાં હાલમાં કુદરતી ગેસ માટે કોઈ વ્યૂહાત્મક ભંડાર અસ્તિત્વમાં નથી, કારણ કે તેને અત્યંત ઠંડા તાપમાને સ્ટોર કરવો ઘણો જટિલ અને ખર્ચાળ છે.

LPG અને LNG ભંડાર વધારવા કડક આદેશ

તાજેતરની કટોકટીમાં ભારતને ડીઝલ અને ગેસનો પુરવઠો રાશન કરવો પડ્યો હતો અને જાપાન-દક્ષિણ કોરિયા જેવા દેશો પાસે મદદ માંગવી પડી હતી. આથી, સરકારે હવે સરકારી તેલ રિફાઇનરીઓને ઇમરજન્સી માટે LPG ભંડાર વધારવા સૂચના આપી છે. આ ઉપરાંત, એક ડ્રાફ્ટ પોલિસી હેઠળ LNG ટર્મિનલ ઓપરેટરોને તેમની સામાન્ય જરૂરિયાત કરતાં ૧૦% વધુ સ્ટોરેજ જાળવવા આદેશ અપાયો છે, જેથી જરૂર પડ્યે સરકાર આ ગેસનો ઉપયોગ કરી શકે. પેટ્રોનેટ LNG જેવી કંપનીઓ ઓલરેડી નવી સ્ટોરેજ ટેન્કો બનાવી રહી છે.

ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક કરારની સંભાવના

'જાપાન ટાઇમ્સ' ના અહેવાલ મુજબ, એનર્જી સિક્યોરિટીને મજબૂત કરવા માટે ભારત અને જાપાન LNG અનામત પર પરસ્પર સહયોગ કરવા વિચારી રહ્યા છે. આ અઠવાડિયે નવી દિલ્હીમાં જાપાનના વડા પ્રધાન સના તાકાઇચી અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનારી બેઠકમાં આ અંગેના મહત્વના કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ભારત ઉપરાંત સિંગાપોર, તાઇવાન અને પાકિસ્તાન જેવા દેશો પણ ભવિષ્યના આવા આંચકાઓથી બચવા માટે પોતાની સંગ્રહ ક્ષમતા વધારી રહ્યા છે.


આ પણ વાંચો : Giorgia Meloni: 'હું કોઈની કઠપૂતળી નથી', ટ્રમ્પના આરોપો પર ભડક્યા મેલોની, જાણો શા માટે તેમણે આવું કહ્યું?

  • Follow us on: