હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રે ફરી એકવાર ભારે તણાવ સર્જાયો છે. ઓમાનના દરિયાકાંઠા નજીક સિંગાપોરના ધ્વજ ધરાવતા કાર્ગો શિપ 'એવર લવલી' પર થયેલા આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની દરિયાઈ એજન્સી ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ મોટો નિર્ણય લીધો છે. એજન્સીએ પર્સિયન ગલ્ફમાં ફસાયેલા 11,000 થી વધુ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન અસ્થાયી રૂપે રોકી દીધું છે, જેના કારણે દરિયાની વચ્ચે ફસાયેલા નાવિકોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.


ઈરાન શા માટે નારાજ છે?

હકીકતમાં, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે બે દરિયાઈ કોરિડોર (રસ્તા) છે. પહેલો રસ્તો ઈરાનના દરિયાઈ વિસ્તારમાંથી જાય છે, જ્યાં ઈરાનની નવી એજન્સી PGSA ની પરવાનગી લેવી ફરજિયાત છે. ઈરાને લારક આઈલેન્ડ પાસે પોતાનો સત્તાવાર રૂટ બનાવ્યો છે. બીજો રસ્તો ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે, જેનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર અને ઓમાન સંયુક્ત રીતે ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે કરી રહ્યા હતા. ઈરાને અગાઉ જ ચેતવણી આપી હતી કે તેના દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઈ રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે તો તેની સુરક્ષાની કોઈ ગેરંટી રહેશે નહીં. ઈરાનની મંજૂરી વિના ઓમાનના રૂટનો ઉપયોગ કરવા બદલ નારાજ થઈને ઈરાને આ ડ્રોન હુમલો કર્યો હોવાનું મનાય છે.

વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?

આ રેસ્ક્યૂ ઓપરેશન રોકાવાના કારણે માત્ર નાવિકો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વેપાર પર સંકટના વાદળો ઘેરાયા છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ એનર્જી કોરિડોર છે. દુનિયાનો લગભગ ૨૦ ટકા કાચો તેલ (Crude Oil) અને મોટી માત્રામાં એલપીજી-એલએનજીનો પુરવઠો આ જ માર્ગેથી પસાર થાય છે. ભારત, ચીન, જાપાન અને યુરોપ જેવા દેશો પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આ રૂટ પર નિર્ભર છે. જો અહીં લાંબો સમય તણાવ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી શકે છે. હાલમાં IMO ના વડા આર્સેનિયો ડોમિંગેઝે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જહાજોની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી નહીં મળે ત્યાં સુધી ઓપરેશન શરૂ કરવામાં આવશે નહીં. હાલ ઓમાન, ઈરાન અને અન્ય સભ્ય દેશો વચ્ચે મધ્યસ્થી માટે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચો: FIFA World Cup 2026: જાપાન રાઉન્ડ ઓફ 16 માં પહોંચ્યું, બ્રાઝિલ સામે ટક્કર થશે


  • Follow us on: