મધ્ય પૂર્વમાં બે મહિનાના યુદ્ધવિરામ બાદ ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાન અને ઈઝરાયલે પહેલીવાર સીધો જ એકબીજા પર હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર હવે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ વેપાર માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર જોવા મળી રહી છે, જ્યાંથી પસાર થતા એક વ્યાપારી જહાજ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર 24 ભારતીય ખલાસીઓ સવાર છે, જેઓ હાલમાં ત્યાં ફસાઈ ગયા છે.


24 ભારતીય ખલાસીઓએ નૌકાદળ પાસે માંગી મદદ

'ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા' એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હુમલાનો ભોગ બનેલા જહાજમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. ઓમાનના દરિયાકાંઠે ફસાયેલા આ ૨૪ ભારતીય ખલાસીઓએ ભારતીય નૌકાદળ (Indian Navy) પાસે તાત્કાલિક બચાવ કામગીરી અને મદદ માટે આજીજી કરી છે. ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપારની લાઈફલાઈન છે, જ્યાંથી દુનિયાભરના કુલ તેલ પરિવહનનો ૨૦ ટકા હિસ્સો પસાર થાય છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ નહીં થાય, પરંતુ લાગશે 'ટોલ ટેક્સ'

આ હુમલા અને ભારે ઉત્તેજના વચ્ચે રશિયામાં ઈરાનના રાજદૂત કાઝેમ જલાલીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. રશિયન અખબાર 'ઇઝવેસ્ટિયા' ને આપેલી મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવામાં નહીં આવે, પરંતુ હવે ત્યાંથી પસાર થવા માટે નવી શરતો અને ટ્રાન્ઝિટ ફી (ટોલ ટેક્સ) લાગુ થઈ શકે છે. જલાલીએ જણાવ્યું કે, હોર્મુઝ ચોક્કસપણે ખુલ્લું રહેશે પરંતુ તેની નવી શરતો ઈરાન અને ઓમાનના સત્તાધીશો મળીને નક્કી કરશે. તેમણે ઉમેર્યું કે ઈરાન અને ઓમાન આ સામુદ્રધુની (Strait) ને લગતી કેટલીક મહત્વની સેવાઓ પૂરી પાડે છે, તેથી આ સેવાઓ બદલ હવે ફી વસૂલવામાં આવશે. જોકે, તેમણે આ ફી અંગે કોઈ વિસ્તૃત વિગતો આપી નથી.

ભારતીય દૂતાવાસની એડવાઈઝરી, છોડી દો ઇરાન

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા સંગ્રામને ધ્યાનમાં રાખીને ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એક અત્યંત તાકીદની એડવાઈઝરી (સલાહકાર) જારી કરી છે. ભારતીય નાગરિકોને હાલના તબક્કે ઈરાનની મુસાફરી ન કરવા સખત સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, જે ભારતીયો હાલમાં ઈરાનમાં વસવાટ કરી રહ્યા છે, તેમને કોઈપણ ઉપલબ્ધ માધ્યમ દ્વારા તાત્કાલિક ઈરાન છોડી દેવા માટે વિનંતી કરવામાં આવી છે.


આ પણ વાંચો : Nepal પીએમ Balen Shahએ ભારત સાથેના સરહદ વિવાદ મામલે ધારણ કર્યુ મૌન, જાણો કોણે કરાવ્યા ચૂપ?

  • Follow us on: