સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી ઉચ્ચસ્તરીય શાંતિ વાટાઘાટોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હોવાનું કતાર અને પાકિસ્તાને જણાવ્યું છે. બંને દેશો વચ્ચે આગામી 60 દિવસમાં અંતિમ સમજૂતી સુધી પહોંચવા માટે એક રોડમેપ પર સહમતિ બની હોવાનું જણાવાયું છે. મધ્યસ્થ દેશોએ આ ચર્ચાને પ્રોત્સાહક અને સકારાત્મક ગણાવી છે.


18 કલાક સુધી ચાલી બેઠક 

17 જૂને અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાઓ ધરાવતા સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર થયા બાદ આ ચર્ચાઓ શરૂ થઈ હતી. આ MoUનો હેતુ બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાનો અને ભવિષ્યની વાટાઘાટો માટે માર્ગ તૈયાર કરવાનો હતો. સ્વિટ્ઝર્લેન્ડના લેક લ્યુસર્ન ખાતે લગભગ 18 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ આ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન માટે 60 દિવસનું જનરલ લાયસન્સ જાહેર કર્યું 

ચર્ચા બાદ અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન માટે 60 દિવસનું જનરલ લાયસન્સ જાહેર કર્યું છે. તેના હેઠળ 21 ઓગસ્ટ સુધી ઈરાની કાચા તેલ, પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ અને સપ્લાયને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, ઈરાને હોર્મુઝ જળમાર્ગમાં મુક્ત અને સુરક્ષિત જહાજ પરિવહન જાળવવા તેમજ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષકોને દેશમાં પ્રવેશ આપવાની ખાતરી આપી છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મોટા ભાગના તેલ અને ગેસ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ

બંને પક્ષોએ લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીનો અંત લાવવા માટે 'ડી-કોન્ફ્લિક્ટેશન સેલ' બનાવવાની પણ જાહેરાત કરી છે. સાથે જ ઉચ્ચસ્તરીય સમિતિ અને સીધી વાતચીત માટેના સંચાર માધ્યમો સ્થાપિત કરવામાં આવશે. કતાર અને પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, આગામી બે મહિનામાં ટેકનિકલ સ્તરે વધુ ચર્ચાઓ ચાલુ રહેશે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે પરમાણુ કાર્યક્રમ, યુરેનિયમ સંવર્ધન, પ્રતિબંધોમાં રાહત અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ જેવા મુદ્દાઓ પર સહમતિ મેળવવી હજુ પણ પડકારજનક રહેશે. આ પ્રગતિને વૈશ્વિક રાજનીતિ અને ઊર્જા બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના મોટા ભાગના તેલ અને ગેસ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Jaishankar Mongolia Visit: ભારત-મંગોલિયા વચ્ચે સર્જાશે સંબંધોનો નવો યુગ, ઉલાનબાતાર પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર



  • Follow us on: