આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પાસપોર્ટની તાકાત વધી રહી છે અને તે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં 80માં ક્રમે પહોંચ્યો છે. જોકે, આ પ્રગતિની વચ્ચે પ્રવાસીઓ માટે એક માઠા સમાચાર એ છે કે, અત્યાર સુધી જે 57 દેશોમાં ભારતીયો વિઝા વગર કે સરળતાથી જઈ શકતા હતા, તે સંખ્યા હવે ઘટીને 55 થઈ ગઈ છે. ઈરાન અને બોલિવિયાએ ભારતીય નાગરિકો માટેના પ્રવેશ નિયમો કડક કરી દીધા છે.


ઈરાન

સુરક્ષાના જોખમે વિઝા મુક્તિ છીનવી ઈરાને અગાઉ ભારતીયોને મર્યાદિત સમય માટે વિઝા વગર પ્રવેશવાની છૂટ આપી હતી. પરંતુ, 2025ના અંતમાં કેટલીક ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, જેમાં ભારતીયોને નોકરી કે ટ્રાંઝિટના બહાને બોલાવી અપહરણ અને ખંડણી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓનો શિકાર બનાવવામાં આવ્યા હતા. આ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, ઈરાન સરકારે નવેમ્બર 2025થી સામાન્ય ભારતીય પાસપોર્ટ ધારકો માટેની વિઝા-ફ્રી સુવિધા નાબૂદ કરી છે. હવે ભારતીયોએ ઈરાન જવા માટે મુસાફરી પૂર્વે વિઝા મેળવવા અનિવાર્ય છે.

બોલિવિયા

વિઝા ઓન અરાઇવલ' ના સ્થાને હવે 'ઈ-વિઝા' દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયાએ પણ પોતાની વિઝા પોલિસીમાં ફેરફાર કર્યો છે. 2025 સુધી ભારતીયોને ત્યાં પહોંચ્યા પછી એરપોર્ટ પર 'વિઝા ઓન અરાઇવલ' મળતા હતા, જે પ્રક્રિયા ખૂબ સરળ હતી. જોકે, 2026થી હવે ભારતીય પ્રવાસીઓએ ઓનલાઈન ઈ-વિઝા લેવા પડશે. આ પ્રક્રિયામાં ડિજિટલ ફોર્મ ભરવા, દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ચૂકવ્યા બાદ જ મુસાફરીની મંજૂરી મળશે.

ભારતીય પ્રવાસીઓ માટે આ ફેરફાર પ્રવાસના આયોજનમાં વધારાના સમય અને ખર્ચની જરૂરિયાત ઊભી કરશે. જો તમે ઈરાનની ઐતિહાસિક મુલાકાત કે બોલિવિયાના સુંદર કુદરતી દ્રશ્યો માણવા માંગતા હોવ, તો હવે એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારા ખિસ્સામાં વિઝા હોવા જરૂરી છે.

આ પણ વાંચોઃ Union Budget 2026: સરકાર પાસે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની છે આટલી ડિમાન્ડ, ટાટા મોટર્સની પાવર માગ


  • Follow us on: