વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાતે પોતાની 'Future-Ready' છબીને વધુ મજબૂત બનાવી છે. 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ વૈશ્વિક મહાકુંભમાં ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 58થી વધુ હાઈ-ઈમ્પેક્ટ બેઠકો યોજીને સમગ્ર વિશ્વના રોકાણકારોમાં નવો વિશ્વાસ જગાવ્યો છે.
58થી વધુ હાઈ-ઈમ્પેક્ટ બેઠકો અને સ્ટ્રેટેજિક રોડમેપ
પાંચ દિવસના આ મિશન દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વની ટોચની કંપનીઓના CEO અને ચેરપર્સન્સ સાથે 58થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય એજન્ડા ગુજરાતને માત્ર મેન્યુફેક્ચરિંગ હબ જ નહીં, પરંતુ ટેકનોલોજી અને ઇનોવેશનનું ગ્લોબલ સેન્ટર બનાવવાનો રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક CEO અને નીતિ નિર્ધારકોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, અમે માત્ર રોકાણકારોને નથી બોલાવી રહ્યા, અમે લાંબા ગાળાના વૈશ્વિક ભાગીદારો બનાવી રહ્યા છીએ. ગુજરાતે પોતાની પોલિસી સ્ટેબિલિટી અને અમલીકરણની ઝડપને વિશ્વ સમક્ષ 'ગુજરાત મોડલ' તરીકે રજૂ કરી છે.
મુખ્ય આકર્ષણો અને સેક્ટર્સ:
- સેમિકન્ડક્ટર અને AI: NVIDIA અને Micron જેવી દિગ્ગજ કંપનીઓ સાથેની ચર્ચાઓ દ્વારા ગુજરાતને 'ભારતની સિલિકોન વેલી' બનાવવાનો રોડમેપ તૈયાર કરાયો.
- ગ્રીન એનર્જી: Green Hydrogen અને 'Power-to-X' ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરી ગુજરાત ક્લીન એનર્જીમાં વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ છે.
- લોજિસ્ટિક્સ પાવર: Maersk જેવી કંપનીઓ સાથેની બેઠકોમાં ગુજરાતના પોર્ટ્સને વૈશ્વિક સપ્લાય ચેઇનનું બેકબોન બનાવવાની વ્યૂહરચના ઘડાઈ.
- લાઇફસ્ટાઇલ અને સ્પોર્ટ્સ: પહેલીવાર ગુજરાતે રોકાણની સાથે રાજ્યના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 'ક્વોલિટી ઓફ લાઈફ'ને પણ વિશ્વ સમક્ષ મૂકીને પ્રતિભાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો.
ક્વોલિટી ઓફ લાઈફ પર ભાર
હર્ષ સંઘવીએ માત્ર બિઝનેસ જ નહીં, પણ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન ડેવલપમેન્ટને પણ વૈશ્વિક ફલક પર મૂક્યા હતા. રોકાણકારોને આકર્ષવા માટે ‘બેસ્ટ બિઝનેસ ડેસ્ટિનેશન’ સાથે ‘બેસ્ટ લિવિંગ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખ મજબૂત કરવામાં આવી છે.
500 બિલિયન ડોલર અર્થતંત્ર તરફ આગેકૂચ
મિશન પૂર્ણ થતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીના વિઝન અને CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત હવે 'વિકસિત ગુજરાત @ 2047' માટે તૈયાર છે. દાવોસની આ બેઠકો રાજ્યને 500 બિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા માટે પાયાનો પથ્થર સાબિત થશે.
આ પણ વાંચો - WEF 2026 News : દાવોસમાં ગુજરાતનો ડંકો, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં 58થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ