ઈઝરાયેલના એક તાજેતરના નિર્ણયને લઈને સાઉદી અરેબિયા સહિત અનેક અરબ અને મુસ્લિમ દેશોએ કડક નારાજગી વ્યક્ત કરી છે. આ દેશોએ ઈઝરાયેલ દ્વારા સોમાલીલેન્ડ માટે રાજનૈતિક પ્રતિનિધિ નિમણૂકના નિર્ણયની તીવ્ર નિંદા કરી છે અને તેને ખોટો ગણાવ્યો છે. સંયુક્ત નિવેદનમાં દેશોએ જણાવ્યું કે ઈઝરાયલનું આ પગલું સોમાલિયાની સંપ્રભુતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ દેશની સરહદો અને એકતાને નબળી પાડતા એકતરફી નિર્ણયો સ્વીકાર્ય નથી.


આ નિવેદન ઈજિપ્ત, સુદાન, લિબિયા, બાંગ્લાદેશ, અલ્જેરિયા, પેલેસ્ટાઈન, તુર્કીયે, ઈન્ડિોનેશિયા, પાકિસ્તાન અને કુવૈત સહિત કુલ 16 દેશોના વિદેશ મંત્રીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તમામ દેશોએ એકસાથે મળી ઈઝરાયેલના આ પગલાનો વિરોધ કર્યો અને જણાવ્યું કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદા, યુએનના નિયમો અને આફ્રિકન યુનિયનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તેમનું માનવું છે કે આ પ્રકારના પગલાં આફ્રિકાના હોર્ન વિસ્તારમાં અસ્થિરતા ઊભી કરી શકે છે.

વિવાદ શા માટે ઊભો થયો?

હકીકતમાં, ઈઝરાયલે તાજેતરમાં સોમાલિલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની અને ત્યાં પોતાનો પ્રતિનિધિ મોકલવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પછી જ વિવાદ શરૂ થયો છે. સોમાલિયાએ આ પગલાનો કડક વિરોધ કરતાં જણાવ્યું કે સોમાલિલેન્ડ તેનો જ ભાગ છે અને તેને અલગ દેશ તરીકે માનવું તેની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન છે. આ કારણસર અનેક દેશો સોમાલિયાના સમર્થનમાં આવ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે આવા પગલાંનો અસર માત્ર એક દેશ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાને અસર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે આવા નિર્ણયોથી ભવિષ્યમાં વધુ મોટા વિવાદો ઊભા થઈ શકે છે.

શું છે સોમાલિલેન્ડ?

1991માં કેન્દ્રીય સરકારના પતન અને લાંબા સમય સુધી ચાલેલા ગૃહયુદ્ધ પછી સોમાલિલેન્ડે પોતાને સોમાલિયાથી અલગ જાહેર કર્યું હતું. ત્યારથી તે પોતાની ચૂંટાયેલી સરકાર, સંસદ, પોલીસ દળ, કરન્સી અને પાસપોર્ટ સિસ્ટમ સાથે કાર્યરત છે. તેમ છતાં લગભગ 30 વર્ષ સુધી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર માન્યતા મળી નહોતી. ઈઝરાયેલ ડિસેમ્બર 2025માં સોમાલિલેન્ડને માન્યતા આપનાર પહેલો દેશ બન્યો હતો.

લગભગ 60 લાખની વસ્તી ધરાવતું સોમાલિલેન્ડ સોમાલિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત છે. તેની સરહદ ઉત્તર-પશ્ચિમમાં જિબૂતી અને પશ્ચિમ-દક્ષિણમાં ઈથિઓપિયા સાથે જોડાયેલી છે. સોમાલિલેન્ડ પોતાની કરન્સી ‘સોમાલિલેન્ડ શિલિંગ’ ચલાવે છે, ટેક્સ વસૂલે છે, પબ્લિક ફાઈનાન્સ સંભાળે છે અને પોતાના બંદરો દ્વારા વેપાર નિયંત્રિત કરે છે. ઉપરાંત, તે પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જાહેર કરે છે તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સહિત જાહેર સેવાઓનું સ્વતંત્ર રીતે સંચાલન કરે છે.

આ પણ વાંચો : America-Iran વચ્ચે 24 એપ્રિલે યોજાઈ શકે છે બીજી વખત બેઠક! ઈસ્લામાબાદમાં પુરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ



  • Follow us on: