નેપાળમાં Gen-Zના વિરોધ પ્રદર્શન વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા બાદ તરત જ દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ હેલિકોપ્ટરમાં બેસીને રવાના થઈ ગયા છે. તેમની સાથે 7 મંત્રીઓ પણ રવાના થયા છે. જોકે, ઓલી તેમના મંત્રીઓ સાથે ક્યાં ગયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન વિરોધીઓએ બાલુવાતાર એટલે કે પીએમ નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે. ત્યારે હવે નેપાળના રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપી દીધું છે.


સેના મંત્રીઓના નિવાસસ્થાનો ખાલી કરાવી રહી છે

પૂર્વ પીએમ ઓલીના દેશ છોડ્યા પછી કાઠમંડુમાં સેનાએ મંત્રીઓના સરકારી નિવાસસ્થાનો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને તેમના નિવાસસ્થાનોમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. આખા શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સેના મંત્રીઓને સલામત રીતે બહાર મોકલી રહી છે. આ ઉપરાંત સંસદ ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, લશ્કરી છાવણીઓમાં વરિષ્ઠ અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ઓલીનું ખાનગી ઘર પણ સળગાવી દેવામાં આવ્યું

ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભક્તપુરમાં પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના અંગત નિવાસસ્થાને પણ આગ લગાવી દીધી હતી. આગ લગાવ્યા પછી પ્રદર્શનકારીઓએ નાચગાન કરીને ઉજવણી પણ કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમના નાગરિકોને હાલ પૂરતું નેપાળની મુસાફરી ટાળવાની સલાહ આપી છે, ત્યાં હાજર ભારતીયોને તેમના રોકાણના સ્થળે રહેવા, રસ્તાઓ પર બહાર નીકળવાનું ટાળવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. તેમને નેપાળની સ્થાનિક સલાહ અને ભારતીય દૂતાવાસ, કાઠમંડુ દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.

કાઠમંડુ જતી બધી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

દિલ્હીથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ 6E1153 અને મુંબઈથી 6E1157 કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઈ રહી હતી, પરંતુ તેમને લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી ન હતી. બંને વિમાનોને તાત્કાલિક લખનૌ તરફ વાળવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ઈંધણ ભર્યા પછી પોતપોતાના મૂળ શહેરોમાં પાછા ફરશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આજે કાઠમંડુ માટે કોઈ ફ્લાઇટ્સ ઉડાન ભરશે નહીં.

  • Follow us on: