નેપાળ સરકારે ૩ સપ્ટેમ્બરના રોજ લગભગ ૨૬ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ આંદોલનને જનરલ ઝેડ ચળવળ નામ આપવામાં આવ્યું હતું. નેપાળની ઓલી સરકારે આ આંદોલન સામે ઝૂકી ગઈ છે. આજે વડાપ્રધાન ઓલીએ રાજીનામુ આપવું પડ્યું છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો

યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત અને 300 થી વધુ ઘાયલ થયા બાદ, સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. યુવાનો આ આંદોલનને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો માનતા હતા.

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી કોણ છે?

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીનું પૂરું નામ ખડગ પ્રસાદ શર્મા ઓલી છે. તેમનો જન્મ 22 ફેબ્રુઆરી 1952ના રોજ નેપાળના તેર્થુમ જિલ્લામાં થયો હતો. કેપી શર્મા ઓલી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ અથવા સીપીએન-યુએમએલના અધ્યક્ષ પણ છે.

ઓલીની રાજકીય સફર લાંબી

કેપી શર્મા ઓલીની રાજકીય સફર લાંબી છે. તેમણે ૧૯66માં રાજકારણમાં પ્રવેશ કર્યો. આ પછી, 1970માં, તેઓ પૂર્ણ-સમય કાર્યકર બન્યા. જ્યાં તેમણે સરમુખત્યારશાહી વિરુદ્ધ ચળવળમાં ભાગ લીધો. જેના માટે તેમને 14 વર્ષ જેલમાં જવું પડ્યું. જેલમાંથી બહાર આવ્યા પછી, તેઓ વધુ મજબૂત બન્યા. 1990ના દાયકામાં તેઓ સાંસદ બન્યા. 2006-2007માં તેઓ નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન હતા.

2015 માં પહેલી વાર પીએમ બન્યા

2015માં કેપી શર્મા ઓલીને પહેલી વાર નેપાળના વડા પ્રધાન બનાવવામાં આવ્યા. આ પછી, 2018 થી 2021 સુધી તે વડાપ્રધાન રહ્યા હતા.ત્યાર બાદ તેઓ જુલાઈ 2024માં ચોથી વાર વડા પ્રધાન બન્યા. તેઓ નેપાળને સમૃદ્ધ બનાવવાનું સૂત્ર આપે છે - 'સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળી'. તેમના નેતૃત્વમાં નેપાળે ચીન સાથે પરિવહન કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારત સાથે પણ સારા સંબંધો છે. તાજેતરમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં આબોહવા સંકટ પર વાત કરી હતી.

  • Follow us on: