પાકિસ્તાન અને ઈરાનના સંબંધોમાં મોટો ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર પર ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને લીક કરવાનો અત્યંત ગંભીર આરોપ લાગ્યો છે. સીઆઈએ (CIA) ના પૂર્વ વિશ્લેષક લેરી જોન્સને ગુપ્ત સૂત્રોના હવાલેથી આ ચોંકાવનારો દાવો કર્યો છે, જેના કારણે અમેરિકી કોંગ્રેસમાં પણ ભારે હોબાળો મચી ગયો છે.


ઈરાન પાસે 60% 440 કિલો યુરેનિયમ છે

લેરી જોન્સનના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી ઇશાક ડારે તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ડારે ઈરાનના પરમાણુ કાર્યક્રમના ઈરાદાઓ અંગે કેટલીક એવી નવી અને ગુપ્ત માહિતી આપી જેને સાંભળીને રુબિયો પોતે પણ હતપ્રભ રહી ગયા હતા. ડારે કથિત રીતે ચેતવણી આપી હતી કે જો ઈરાન સાથે વહેલી તકે પરમાણુ કરાર કરવામાં નહીં આવે, તો તે ટૂંક સમયમાં પરમાણુ હથિયાર બનાવી લેશે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાન પાસે હાલમાં 60% સુધી સંવર્ધિત 440 કિલો યુરેનિયમ છે, જેને હથિયાર બનાવવા માટે 90% સુધી સંવર્ધિત કરવું સરળ છે. આ આરોપ એટલે પણ ગંભીર છે કારણ કે પાકિસ્તાન આ કરારમાં મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે.

વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

જો કે, આ વિવાદ સામે આવ્યા બાદ પાકિસ્તાન અને અમેરિકા બંને બચાવની સ્થિતિમાં આવી ગયા છે. 2 જૂનના રોજ અમેરિકી કોંગ્રેસમાં સુનાવણી દરમિયાન જ્યારે સાંસદ સ્કોટ પેરીએ માર્કો રુબિયોને આ અંગે પ્રશ્ન પૂછ્યો, ત્યારે રુબિયોએ આવી કોઈ માહિતી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.ત્યારબાદ, 4 જૂનના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે બંને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ ચર્ચા થઈ નથી. બીજી તરફ, આ સમગ્ર હલચલ અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ આ ખુલાસાએ વૈશ્વિક રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચો:'MY Bharat' પ્લેટફોર્મે ક્વિઝ સ્પર્ધામાં બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

  • Follow us on: