મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈરાને પાકિસ્તાન સરહદ પાસે સક્રિય આતંકી સંગઠન 'જૈશ-અલ-ઝુલ્મ' (જૈશ-અલ-અદલ) પર મોટો પ્રહાર કર્યો છે. બુધવારે કરવામાં આવેલી આ સૈન્ય કાર્યવાહીમાં આતંકી સંગઠનના 20 જેટલા લડાયકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઈરાની સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે તેમણે આ સંગઠનના આખા ઓપરેશન યુનિટને ભંગ કરી દીધું છે.
શું છે ઈરાનની ચિંતા?
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન પાકિસ્તાન સરહદને સુરક્ષિત કરવા માટે કરવામાં આવ્યું હતું. ઈરાનને ડર છે કે પશ્ચિમી દેશોના ઈશારે આ સંગઠનો દેશમાં આંતરિક બળવો કરાવી શકે છે. જો ઈરાનની જનતા રસ્તા પર ઉતરે તો યુદ્ધની સ્થિતિમાં ઈરાન માટે તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
કોણ છે આ 'જૈશ-અલ-ઝુલ્મ'?
જેને ઈરાન 'જૈશ-અલ-ઝુલ્મ' કહે છે, તે સંગઠનનું અસલી નામ 'જૈશ-અલ-અદલ' છે. 2012માં સ્થપાયેલું આ સંગઠન સુન્ની કટ્ટરપંથને પ્રોત્સાહન આપે છે અને સિસ્તાન પ્રાંતમાં સક્રિય છે. તેનો મુખ્ય હેતુ ઈરાનના અમુક હિસ્સાઓ અલગ કરી ત્યાં બલૂચ શાસન સ્થાપવાનો છે. 2025માં આ સંગઠને અન્ય ત્રણ જૂથો સાથે મળીને 'પીપલ્સ ફાઈટર ફ્રન્ટ'ની રચના કરી છે, જેની આગેવાની અબ્દુલ રહેમાન બલોચ કરી રહ્યો છે.
અમેરિકા અને આંતરિક ષડયંત્રનો આરોપ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 909 કિલોમીટર લાંબી સરહદ છે. તાજેતરમાં અમેરિકી મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે અમેરિકાએ ઈરાનમાં આંતરિક અશાંતિ ફેલાવવા માટે અલગતાવાદી સંગઠનોને હથિયાર અને નાણાં પૂરા પાડ્યા છે. ઈરાને અગાઉ કુર્દ અલગતાવાદીઓને શાંત કરી દીધા હતા, પરંતુ પાકિસ્તાન સરહદે સક્રિય બલૂચ અલગતાવાદીઓ હજુ પણ મોટો પડકાર છે.
આ પણ વાંચો: Pakistan Economy:પાકિસ્તાનીઓમાં ઈરાની રિયાલ ખરીદવાનું ઘેલું,સસ્તા રોકાણની લાલચમાં મોટું જોખમ કે નફો?